અમદાવાદ,બુધવાર,24
નવેમ્બર,2021
અમદાવાદ શહેરમાં આ વર્ષે ૧૬ જાન્યુઆરીથી શહેરીજનોને કોરોના
વેકિસન આપવામાં આવી રહી છે.શહેરમાં હજુ ચાર લાખ લોકોએ કોરોના વેકિસનનો બીજો ડોઝ
લેવાનો સમય થઈ ગયો હોય તેમ છતાં લીધો નથી. હેલ્થ વિભાગની ૧૫૦ ટીમે સાત ઝોનમાં ડોર
ટુ ડોર સર્વે કરતા ત્રીસ હજાર ઘરોમાંથી ત્રણ હજાર લોકો વેકિસન વગરના મળી આવ્યા
હોવાનું હેલ્થ વિભાગના સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.
આ અંગે મળતી માહિતી મુજબ,૧૬ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના
હેલ્થ વિભાગ તરફથી શહેરમાં ૭૭.૦૬ લાખ જેટલા કોરોના વેકિસનના ડોઝ આપવામાં આવ્યા
છે.જે પૈકી ૪૭.૩૯ લાખ લોકોને વેકિસનનો પહેલો ડોઝ અને ૨૯.૬૬ લાખ લોકોને બીજો ડોઝ
આપવામાં આવ્યો છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા શહેરીજનોને આપવામાં
આવતી કોરોના વેકિસનના ડોઝને લગતી તમામ વિગતો રોજેરોજ અપડેટ કરવામાં આવી રહી
છે.જેમાં કેટલા લોકોએ વેકિસનનો પહેલો ડોઝ અને કેટલા લોકોએ બંને ડોઝ લીધા છે એ વિગત
ઉપરાંત કેટલા લોકોએ હજુ સુધી વેકિસનનો એક પણ ડોઝ નથી લીધો એની પણ વિગત અપડેટ કરાતી
હોય છે.મ્યુનિ.તંત્રના અન્ય વિભાગોની સાથે હેલ્થ વિભાગે પણ ૧૫૦ ટીમ બનાવી ડોર ટુ
ડોર સર્વે કરાવ્યો હતો.જેમાં ત્રણ હજાર લોકોએ વેકિસનનો એક પણ ડોઝ ન લીધો હોવાનું
તથા ચાર લાખ લોકોએ બીજો ડોઝ લેવાનો સમય થઈ ગયો હોવા છતાં લીધો ના હોવા અંગેની વિગત
સામે આવી હતી.
સાત ઝોનમાં વિવિધ બેન્કોની ૨૯૯ શાખામાં વેકિસનને લઈ તપાસ કરાઈ
બુધવારે અમદાવાદ શહેરના સાત ઝોનમાં આવેલી વિવિધ બેન્કોની
૨૯૯ જેટલી શાખામાં ફરજ બજાવતા કર્મચારીઓએ કોરોના વેકિસન લીધી છે કે કેમ? એ અંગેની તપાસ
પ્રોપર્ટી ટેક્ષ વિભાગના સ્ટાફ દ્વારા કરાઈ હતી.૪૩૭૦ કર્મચારીઓની તપાસમાં ૪૦૨૩
કર્મચારીઓએ વેકિસનના બંને ડોઝ લીધા હોવાનું તપાસમાં બાદ જાણવા મળ્યુ હતું.એસેસર
અને ટેક્ષ કલેકટર દેબાશિષ બેનરજીના કહેવા પ્રમાણે,બીજો ડોઝ ના લીધો હોય એવા ૩૩૭ કર્મચારીઓ મળી આવ્યા હતા.જો
કે આ તમામને ૮૪ દિવસ પુરા ના થયા હોવાથી બીજો ડોઝ લીધો નથી.જયારે આઠ કર્મચારીઓએ
તબીબી કારણોસર કોરોના વેકિસનનો બીજો ડોઝ ના લીધો હોવાનું જાણવા મળ્યુ હતું.
કોરોના સહાય માટે ત્રણ હજાર અરજીઓ,૯૭૦ અરજીમાં
કોરોનાથી મોતનું કારણ સ્પષ્ટ કરાયું
રાજય સરકાર તરફથી કોરોના મહામારીમાં કોરોનાથી મૃત્યુ પામેલાઓના
કીસ્સામાં આર્થિક સહાય આપવાની કરેલી જાહેરાત બાદ ૨૩ નવેમ્બર સુધીમાં અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશનને ત્રણ હજાર જેટલી અરજીઓ મળી છે.જે પૈકી ૯૭૦ અરજીઓમાં
કોરોનાથી થયેલા મોતનું કારણ સ્પષ્ટ કરવામાં આવ્યુ હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી
જાણવા મળે છે.


