For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમદાવાદ શહેરમાં ૧૬.૫૦ લાખ રહેઠાણમાં ભીના-સુકા કચરા માટે બે ડસ્ટબીન આપવા કરાયેલો નિર્ણય

શહેરીજનોને ભીનો-સુકો કચરો અલગ રાખવા સમજુત કરાશે,અગાઉ બે વખત કરાયેલા પ્રયાસ સફળ થયા નહોતા

Updated: Nov 25th, 2021

Article Content Image

અમદાવાદ,ગુરુવાર,25 નવેમ્બર,2021

અમદાવાદ શહેરમાં આવેલી ૧૬.૫૦ લાખ જેટલી રહેણાંક મિલ્કતમાં ઘર દીઠ ભીનો અને સુકો કચરો અલગ રાખવા માટે બે ડસ્ટબીન આપવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ ઘરે ઘરે જઈ રહીશોને ભીનો તથા સુકો કચરો અલગ રાખવા સમજુત કરશે.તંત્ર તરફથી અગાઉના વર્ષોમાં બે વખત આ પ્રમાણેના પ્રયાસ કરાયા હતા.જે સફળ થયા નહોતા.આ ડસ્ટબીન આપવા પાછળ મ્યુનિ.તંત્ર ઉપર કોઈ આર્થિક ભારણ નહીં પડે.પરંતુ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશનને મળનારી ગ્રાન્ટમાંથી આ ખર્ચ કરવામાં આવશે એમ સત્તાધીશોનું કહેવુ છે.ડસ્ટબીન વહેચવા પાછળ દસ કરોડથી વધુની રકમનો ગ્રાન્ટમાંથી ખર્ચ કરવામાં આવશે એમ આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

સ્ટેન્ડીંગ કમિટીની બેઠક બાદ મેયર કિરીટ પરમાર અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે ૪૦ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદને સ્વચ્છતા મામલે પ્રથમ રેન્ક આપવામાં આવ્યો એ આ શહેર અને નાગરિકોનું ગૌરવ હોવાનુ કહ્યુ હતું.ઉપરાંત આવનારા સમયમાં અમદાવાદને વધુ સ્વચ્છ શહેર બનાવવાના આશયથી ઘર દીઠ બે ડસ્ટબીન આપવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હોવાની જાહેરાત કરી હતી.મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અગાઉ વર્ષ-૨૦૧૨માં પાયલોટ પ્રોજેકટ તરીકે તેમજ બાદમાં વર્ષ-૨૦૧૫ના વર્ષમાં ઘર દીઠ ડસ્ટબીન આપી લોકોને ભીનો અને સુકો કચરો અલગ રાખવા સમજુત કરવા પ્રયાસ કરાયો હતો.પરંતુ આ પ્રયાસો નિષ્ફળ ગયા હતા.સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેને આ અંગે બચાવ કરતા કહ્યુ,ઘર દીઠ એક જ ડસ્ટબીન જે તે સમયે આપવામાં આવ્યા હતા.પહેલી વખત ૧૬.૫૦ લાખ રહેણાંક મિલ્કતોમાં ઘર દીઠ બે ડસ્ટબીન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ડોર ટુ ડમ્પના વાહનોની ફરિયાદો મામલે સત્તાધીશોએ સેવેલુ મૌન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનો માટે ૧૫૫૩૦૩ ઉપર ઓનલાઈન ફરિયાદ નોંધાવવાની વર્ષ-૨૦૧૪થી શરુઆત કરી છે.સી.સી.આર.એસ.તરીકે જાણીતી સર્વિસમાં ડોર ટુ ડમ્પના વાહનોની અનિયમિતતાને લઈ કેટલી ફરિયાદો મળી અને કેટલી ફરિયાદો સામે જે તે કોન્ટ્રાકટરો સામે શું કાર્યવાહી કરાઈ કે પેનલ્ટી કરાઈ એ અંગે મેયર અને સ્ટેન્ડીંગ કમિટી ચેરમેને જવાબ આપવાના બદલે મૌન ધારણ કરી લીધુ હતું.

અમદાવાદમાં સાત લાખ લોકોને કોરોના વેકિસનનો બીજો ડોઝ લેવાનો બાકી હોવાનો ઘટસ્ફોટ

મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મળેલી સ્ટેન્ડીંગ કમિટી બેઠક અગાઉ મ્યુનિસિપલ કમિશનર સહિત હોદ્દેદારોએ કોરોના વેકિસનના બંને ડોઝ લીધા છે કે કેમ? એ અંગેની દરવાજા ઉપર  ચકાસણી કરાયા બાદ જ  પ્રવેશ અપાયો હતો.દરમ્યાન બેઠકમાં અમદાવાદ શહેરમાં કોરોના વેકિસનનો બીજો ડોઝ લેવાનો બાકી હોય એવા સાત લાખ લોકો બાકી હોવાની જાણ થતા વેકિસનેશનની કામગીરી વધુ ઝડપી બનાવવા સત્તાધારી પક્ષ દ્વારા તંત્રના અધિકારીઓને સુચના અપાઈ હતી.

Gujarat