વડોદરાઃ વડોદરા શહેર પોલીસ કમિશનરે પોલીસ કર્મીઓની હેલ્થ સુધારણા માટે મુકેલી ખાસ સ્કીમનો અમલ શરૃ કરી દીધો છે અને વજન ઉતારનાર બે મહિલા પોલીસને તેમની માંગણી મુજબનું પોસ્ટિંગ આપવાનો હુકમ કર્યો છે.
પોલીસ કમિશનરે તમામ પોલીસ કર્મીઓનું મેડિકલ ચેકઅપ કરાવતાં ૨૦૦ જેટલા પોલીસ જવાનો ઓવરવેટ તેમજ અન્ય બીમારીઓથી પીડાતા જણાઇ આવ્યા હતા.જેથી તેમણે ઇન્ટિગ્રેટેડ હેલ્થ મેનેજમેન્ટ સ્કીમ લાગુ કરી હતી.
હેલ્થ સ્કીમ મુજબ ૯૦ દિવસમાં જે પોલીસ કર્મી તેમનું હેલ્થ સુધારશે તેમને મનપસંદ પોસ્ટિંગ આપવાની અને જેમના હેલ્થ નહિં સુધરે તેમને યોગ અને સારવાર માટે પ્રતાપનગર હેડક્વાર્ટરમાં પોસ્ટિંગ આપવાની જાહેરાત કરાઇ હતી.આ સ્કીમનો સૌથી પહેલાં બે મહિલા પોલીસ કર્મીને લાભ મળ્યો છે અને આજે પોલીસ કમિશનરે તેમની માંગણી મુજબનું પોસ્ટિંગ આપ્યું હતું.
એએસઆઇ ભારતીબેન રેવાભાઇએ તેમનું વજન ૮૯.૫ કિલોથી ઉતારીને ૬૮ કિલો કરતાં તેમને વારસીયા પોલીસ સ્ટેશનથી હરણી પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે.જ્યારે,કોન્સ્ટેબલ મોનિકા શૈલેષભાઇએ ૮૩ કિલોથી વજન ઉતારીને ૬૬ કિલો કરતાં તેમને કારેલીબાગ પોલીસ સ્ટેશન મુકવાનો હુકમ કરાયો છે.પોલીસ કમિશનર ડો.સમશેરસિંઘે આજે બંને મહિલાને કોપ ઓફ ધ મન્થથી સન્માન પણ કર્યું હતું.


