બ્રાઈટ સ્કૂલમાં પંખો પડતા બે વિદ્યાર્થીને ઈજા, સ્કૂલને નોટિસ અપાશે
વડોદરા, તા.13 ફેબ્રુઆરી 2020, ગુરૂવાર
શહેરના વાસણા ભાયલી રોડ પર આવેલી બ્રાઈડ ડે સ્કૂલમાં બુધવારની સાંજે ચાલુ ક્લાસમાં સિલિંગ ફેન પડતા બે વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા.
આ ઘટના બાદ વાલીઓમાં અને વિદ્યાર્થીઓમાં રોષની લાગણી ફેલાઈ હતી અને સ્કૂલમાં વિદ્યાર્થીઓની સલામતી સામે પણ સવાલો ઉભા થયા છે.મળતી વિગતો પ્રમાણે બુધવારની સાંજે પાંચ વાગ્યે સીબીએસઈના ધો.૩ના ક્લાસરુમ એફમાં શિક્ષણકાર્ય ચાલી રહ્યુ હતુ ત્યારે અચાનક જ સિલિંગ પરનો પંખો બેન્ચીસ પર બેઠેલા વિદ્યાર્થીઓ પર પડયો હતો.વિદ્યાર્થીઓની ચીસાચીસથી એક તબક્કે વાતાવરણ ગાજી ઉઠયુ હતુ અને સ્કૂલમાં દોડધામ મચી ગઈ હતી.
પંખો પડવાના કારણે ગુણેશ ચિતાલીયા નામના વિદ્યાર્થીને માથામાં ઈજા થઈ હતી.ગુણેશને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો.જ્યાં તેને માથામાં આઠ ટાંકા લેવા પડયા હતા.જ્યારે અન્ય એક વિદ્યાર્થીને સામાન્ય ઈજા થઈ હતી.એક તરફ સ્કૂલ દ્વારા તગડી ફી લેવાય છે ત્યારે પંખો પડવાની ઘટનાથી રોષે ભરાયેલા વાલીઓએ આ મુદ્દે સ્કૂલમાં આજે રજૂઆત પણ કરી હતી.
ઘટનાની જાણ થતા વડોદરા ડીઈઓ કચેરની ે એક ટીમ પણ તપાસ માટે સ્કૂલ ખાતે દોડી ગઈ હતી.ડીઈઓ કચેરીના અધિકારીનુ કહેવુ હતુ કે, સ્કૂલને નોટિસ આપીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.
સ્કૂલની બેદરકારી છે, પંખાનું ફિટિંગ પણ બરાબર કરાયુ નહોતુંઃ વાલી
ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના વાલી નિલેશભાઈનુ કહેવુ હતુ કે, હું પોતે એન્જિનિયર છું અને મેં જોયુ હતુ કે, સ્કૂલમાં પંખાનુ ફિટિંગ બરાબર નહોતુ.પંખાનુ લોકિંગ પણ બરાબર કરવામાં આવ્યુ નહોતુ.વાઈબ્રેશનના કારણે ફિટિંગ વધારે ઢીલુ થયુ હશે અને પંખો નીચે પડયો હશે.મારા પુત્રને માથમાં આઠ ટાંકા આવ્યા છે.સ્કૂલ સંચાલકોની બેદરકારી દેખાઈ આવે છે.પંખો અવાજ કરતો હોવાની ફરિયાદ અગાઉ વિદ્યાર્થીઓએ કરી હતી પણ તેના પર ધ્યાન આપવામાં આવ્યુ નહોતુ.
પંખાનો અવાજ આવતો હોવાની ફરિયાદ વિદ્યાર્થીઓએ કરી હતી
વાલીઓનુ કહેવુ હતુ કે, ક્લાસમાં છેલ્લા કેટલાક દિવસથી જ્યારે પણ પંખો ચાલતો હતો ત્યારે અવાજ આવતો હતો.આ બાબતે બાળકોએ શિક્ષકનુ ધ્યાન પણ દોર્યુ હતુ.જો તે જ વખતે પંખાનુ ફિટિંગ ચેક કરવામાં આવ્યુ હોત તો કદાચ આ દુર્ઘટના ટાળી શકાઈ હોત.