વડોદરાના બે વિદ્યાર્થીઓ મંગળવારે વતનમાં પરત ફરે તેવી શક્યતાઓ
ચીનથી દિલ્હી ખાતે લેન્ડ થયા બાદ આ વિદ્યાર્થીઓને હરિયાણાના માણેસર ખાતે આવેલી મિલિટરી હોસ્પિટલમાં બે દિવસ ઓબ્ઝર્વેશન હેઠળ રખાશે
ગુજરાતના ૧૮ મળી ૩૮ ભારતીય વિદ્યાર્થીઓ વુહાન એરપોર્ટ પર પહોંચ્યા
વડોદરા,શુક્રવાર
કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત ચીનના વુહાન શહેરમાં જ રહેતા વડોદરાના બે વિદ્યાર્થીઓ આખરે આજે વુહાન
એરપોર્ટ પર પહોંચી ગયા છે અને મોડી રાત્રે તેઓ ભારતથી મોકલવામાં આવેલા ખાસ વિમાન દ્વારા દિલ્હી પરત ફરશે.
જ્યાં તેઓને ખાસ હોસ્પિટલમાં બે દિવસ ઓબ્ઝર્વેશન માટે રાખવામાં આવશે અને તે પછી વડોદરા મોકલવામાં આવશે.
વડોદરા ખાતે નવાયાર્ડ વિસ્તારમાં આવેલ રેલવેના લોકો શેડમાં સ્ટેશન માસ્તર તરીકે કામ કરતા શશીકુમાર જૈમનની
પુત્રી શ્રેયા અને સોમા તળાવ વિસ્તારમાં રહેતા રમેશભાઇ પટેલનો પુત્ર વૃંદ હાલમાં ચીનના હુબેઇ પ્રાંતમાં આવેલા વુહાન
શહેરમાં હુબેઇ યુનિવર્સિટીમાં એબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને વુહાન શહેરમાં જ હોસ્ટેલમાં રહે છે.
શ્રેયાના પિતા શશીકુમારે આજે વાત કરતા કહ્યું હતુ કે 'શ્રેયા સાથે ટેલિફોનીક વાત થઇ છે તેઓ બસ મારફતે હોસ્ટેલમાંથી
વુહાન એરપોર્ટ પર લઇ જવામાં આવ્યા છે. અહીથી રાત્રે ૧૦ વાગ્યે પ્લેન ટેક ઓફ કરશે. શ્રેયાએ એમ પણ કહ્યું હતુ કે
તેના સહિત ગુજરાતના ૧૮ મળીને ૩૮ ભારતીય વિદ્યાર્થીઓ અત્યારે પ્લેનની રાહ જોઇ રહ્યા છે. કાલે સવારે તેઓ દિલ્હી
ખાતે પહોચશે'
શશીકુમારે વધુમાં કહ્યું હતું કે 'હજુ શ્રેયાને તથા અન્ય વિદ્યાર્થીઓને તેમના ઘરે પહોંચતા વધુ બે દિવસ થશે કેમ કે દિલ્હી
લેન્ડ થયા બાદ આ વિદ્યાર્થીઓને દિલ્હીથી ૪૦ કિ.મી. દૂર આવેલ હરિયાણાના માણેસર ખાતે મિલિટરી હોસ્પિટલમાં
ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે અને જે બાદ તેઓને વતન મોકલવામાં આવશે'