વડોદરા, તા.20 જાન્યુઆરી, સોમવાર
ઓગષ્ટ ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનમાં દારૃ પીને અન્ય મુસાફરોને હેરાન કરતા ઇંડિયન નેવીના બે જવાનોને વડોદરા રેલવે પોલીસે ઝડપી પાડી તેઓની સામે કાર્યવાહી કરી છે.
આ અંગેની વિગત એવી છે કે મુંબઇથી દિલ્હી તરફ જતી ઓગષ્ટ ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનમાં બે વ્યક્તિ દારૃ પી લેતા અન્ય પ્રવાસીઓ હેરાન પરેશાન થઇ રહ્યા છે તેવી ફરિયાદ એરફોર્સના એક જવાને ટ્રેનના ટીટીને કરતા ટીટીએ રેલવે કંટ્રોલને જાણ કરી હતી. આ મેસેજ વડોદરા રેલવે પોલીસને મળતા ગઇ રાત્રે ટ્રેન વડોદરા રેલવે પોલીસ સ્ટેશન પર આવતા પોલીસે કોચ બી-૧૦માંથી દારૃ પીધેલા તેમજ લથડિયા ખાતા બે યુવાનોને ઝડપી પાડયા હતાં.
પોલીસે બંનેની પૂછપરછ કરતાં એકે પોતાનું નામ નવીનકુમાર રાવિરસિંહ જાટ (રહે.ક્રિષ્ણાનગર, જયગુરુદેવ મંદિર પાસે, મથુરા) જણાવ્યું હતું પોતે ઇંડિયન નેવીમાં નોકરી કરે છે તેમજ કેરાલાના એજીમાલા ખાતે હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે. અન્યએ પોતાનું નામ સુંદરસિંગ લાલસિંગ જાટ (રહે.બસેરી માહર તા.કિરાવલી જીલ્લો આગ્રા) જણાવ્યું હતું પોતે મુંબઇમાં નેવલ ડોક યાર્ડ ખાતે ઇંડિયન નેવીમાં ફરજ બજાવતો હોવાનું પોલીસને કહ્યું હતું. રેલવે પોલીસે બંનેની પ્રોહિબિશનના ગુના હેઠળ ધરપકડ કરી છે.


