આણંદના અધિકારીને ધમકી..સાહેબ,તમારો વીડિઓ મારી પાસે છે,પાંચ લાખ આપી દો..નહિંતર વાઇરલ થઇ જશે
વડોદરા,તા.9 જાન્યુઆરી,2020,ગુરૃવાર
વડોદરા જિલ્લા ઔધોગિક કેન્દ્રમાં ફરજ બજાવી ચાર મહિના પહેલાં જ આણંદ જિલ્લા ઔધોગિક કેન્દ્રના મેનેજર તરીકે મુકાયેલા અધિકારીને વીડિઓ વાઇરલ કરવાની ધમકી આપીને રૃા.પાંચ લાખની ખંડણી વસૂલનાર બે શખ્સને પોલીસે છટકું ગોઠવી ઝડપી પાડયા હતા.
આણંદના સરકારી અધિકારી યજ્ઞોશ પાવાગઢીએ પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૧ લીએ મને જેએસકે..નો મેસેજ આવતાં મેં મેસેજ કરનારની ઓળખ માંગી હતી.ત્યારબાદ બીજા દિવસે તેણે ગુડ મોર્નિંગના મેસેજ મોકલતાં મેં તેને સામેથી ફોન કર્યો હતો.પરંતુ ફોન નો રિપ્લાય થયો હતો.
તા.૪થીએ ફોન કરનારે કહ્યું હતું કે,તમે મને વડોદરામાં રૃબરૃ મળો,તમને નુકસાન કરે તેવો વીડિઓ મારી પાસે છે.આ વીડિઓ શેનો છે તેમ પૂછતાં ફોન કરનારે વડોદરા આવીને ફોન કરજો તેમ કહ્યું હતું.
મેનેજર પાવાગઢીએ કહ્યું છે કે,ત્યારબાદ મેસેજો ચાલુ રહ્યા હતા અને બ્રહ્મભટ્ટ સાહેબના નામે વાત કરતા ખંડણીખોરને મેં આજીજી કરી હું આબરૃદાર કર્મચારી છું,મારે બદનામીથી આપઘાત કરવો પડશે..છતાં તેણે રૃપિયા તો જોઇશે જ તેમ કહ્યું હતું.
આખરે તા.૮મીએ નટુભાઇ સર્કલ પાસે મુલાકાત થઇ હતી.સાંજે પ વાગે રૃપિયાનો વાયદો કરી ક્રાઇમ બ્રાન્ચને જાણ કરતા પોલીસે કોલાબરા કોલ સેન્ટર ખાતે છટકું ગોઠવી લાલ રંગની ડસ્ટર કાર લઇ આવેલા (૧) અમિત અશ્વિનભાઇ પટેલ (રહે.બારોટ ફળિયું,પોર,જિ.વડોદરા) અને તેના સાગરીત (૨) જિગર જનકભાઇ બારોટ (રહે.ગોકુલનગર,ગોત્રી)ની ધરપકડ કરી હતી.