અમદાવાદમાં પ્રહલાદ નગર ગાર્ડન, સિંધુ ભવન રોડ પર વધુ બે મલ્ટીલેવલ પાર્કિંગ બનાવાશે
- ટ્રાફિકની સમસ્યા, પાર્કિંગ સ્પેસનો અભાવ દુર કરવા માટે નિર્ણય લેવાયો
- રોડ એન્ડ બિલ્ડીંગ્ઝ કમિટીની બેઠકમાં 22 તાકીદના કામો સહિત 38 કામોની દરખાસ્ત મંજૂર કરાઇ
અમદાવાદ,તા..18 ફેબ્રુઆરી 2019,સોમવાર
અમદાવાદ શહેરમાં પ્રહલાદનગર ગાર્ડન તેમજ બોડકદેવ સિંધુ ભવન રોડ પર એમ બે સ્થળે કુલ ૧૫૭.૧૪ કરોડના ખર્ચે મલ્ટીલેવલ પાર્કિંગ બનાવાશે. આજે સોમવારે મળેલી રોડ એન્ડ બિલ્ડીંગ્ઝ કમિટીની બેઠકમાં આ અંગેનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ૨૨ તાકીદના કામો મળીને કુલ ૩૮ કામોની દરખાસ્તો પણ મંજૂર કરી દેવામાં આવી છે.
શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા તેમજ પાર્કિંગ સ્પેસના જોવા મળતા અભાવને ધ્યાને લઇને મ્યુનિ.તંત્ર દ્વારા શહેરમાં વધુમાં વધુ મલ્ટિલેવલ પાર્કિંગ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. જેમાં કોમર્શિયલ તેમજ ઓફિસ કોમ્પ્લેક્ષ પણ બાંધીને તેના વેચાણ થકી મ્યુનિ.આવક ઉભી કરાશે.
ઉત્તર પશ્ચિમ ઝોનમાં એરીસ્ટા કોમ્પ્લેક્ષની બાજુમાં સીંધુ ભવન રોડ, બોડકદેવ ખાતે ટી.પી.-૫૦, એફ.પી.નં.૩૬૮ પરના ૯,૧૧૬ ચો.મી. પ્લોટ તે માટે ફાળવાયો છે. અંદાજીત ૫૩,૯૦૦ ચો.મી.ના કુલ બાંધકામમાં બે બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને પાંચ માળ હશે. જેમાં વેચાણ માટે ૧૬ દુકાનો અને ૩૮ ઓફિસ પણ બનાવાશે. આ મલ્ટીલેવલ પાર્કિંગમાં ૭૪૩ કાર અને ૮૩૦ ટુ વ્હિલર પાર્ક કરી શકાશે.
કુલ ૧૨૧.૫૨ કરોડના ખર્ચનો અંદાજ રખાયો હતો. જેમાં અંદાજીત ભાવથી ૧૩.૯૧ ટકા ઓછા ભાવથી એટલેકે ૮૪.૯૦ કરોડના ખર્ચનું શાન્તિ કન્સ્ટ્રક્શનનું ટેન્ડર પાસ કરાયું છે.
દક્ષિણ પશ્ચિમ ઝોન ખાતે પ્રહલાદનગર ગાર્ડન પાસે ટી.પી.૨૩ એ.પી.નં.૧૦ પ્લસ ટી.પી.૨૫ એફ.પી.નં.૧૧૭માં ફાળવેલા ૬,૮૪૦ ચો.મી.પ્લોટમાં મલ્ટીલેવલ પાર્કિંગ બનશે. જેમાં પણ વેચાણના હેતુ માટે ૧૬ દુકાનો અને ૩૮ ઓફિસ પણ બનાવાશે.
અંદાજીત ૪૩,૯૦૦ ચો.મી.ના બાંધકામ એરિયામાં બે બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર સાથે આઠ માળનું બાંધકામ કરાશે. આ પાર્કિંગમાં ૪૦૪ કાર તેમજ ૪૭૪ ટુ વ્હિલર પાર્ક કરી શકાશે. જે માટે કુલ ૧૦૬.૮૩ કરોડના અંદાજીત ખર્ચ સામે ૧૫.૯૧ ટકા ઓછા ભાવવાળા એટલેકે ૭૨.૨૪ કરોડનું શાંન્તિ કન્સ્ટ્રક્શનનું ટેન્ડર મંજૂર કરાયું છે.
બંને મલ્ટીલેવલ પાર્કિંગ સ્થળે અત્યાધુનિક ટેકનોલોજી મુજબ એફિશીયન્ટ વોટર મીસ્ટ ફાયર સીસ્ટમ અને ઓટોમેટિક ઇલેક્ટીક્લસ પાર્કિંગ સીસ્ટમનું આયોજન કરાયું છે. નોંધપાત્ર છેકે અમદાવાદ શહેરમાં કાંકરિયા ખાતે તેમજ નવરંગપુરામાં બે મલ્ટીલેવલ પાર્કિંગ બનાવાયેલા છે. હવે શહેરને બીજા બે નવા મલ્ટીલેવલ પાર્કિંગ મળશે. આગામી બે વર્ષમાં તે બનીને તૈયાર થઇ જશે.
શહેરમાં 8 કરોડના ખર્ચે 20 ટેનિસ કોર્ટ બાંધવામાં આવશે
અમદાવાદ શહેરમાં જુદાજુદા વોર્ડમાં ૮ કરોડના ખર્ચે ૨૦ જેટલા ટેનિસ કોર્ટ બાંધવાનું નક્કી કરાયું છે. આ માટેની બે દરખાસ્તો રોડ એન્ડ બિલ્ડીગ્ઝ કમિટીની બેઠકમાં મંજૂર કરી દેવામાં આવી છે.
અંદાજીત ભાવથી ૧૫ ટકા ઓછા ભાવે એટલેકે ૪.૬ કરોડના ખર્ચે ૨૦ સિંન્ગલ ટેનિસ કોર્ટ બાંધવાનું ટેન્ડર મંજૂર કરાયું છે.ઉપરાંત ૧૦ ડબલ ટેનિસ કોર્ટ બાંધવા માટે ટેન્ડર મંગાયું હતું. જેમાં પણ ૪.૬ કરોડનું ટેન્ડર મંજૂર કરાયું છે.
આ ટેનિસ કોર્ટ શહેરમાં ક્યાં અને કયા વોર્ડમાં બાંધવામાં આવશે તે હાલમાં નક્કી કરાયું નથી. પરંતુ ૮ કરોડના ખર્ચે ટેનિસ કોર્ટ બાંધવાના બે ટેન્ડરોની દરખાસ્ત મંજૂર કરી દેવાઇ છે.