Updated: Mar 17th, 2023
કોર્પોરેશન વિસ્તારમાં સંક્રમણ ફેલાયું
પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા ૧૧ જેટલા વ્યક્તિઓને પણ આઇસોલેશનમાં રહેવા સુચના
બેવડી સિઝનની સાથે સતત બદલાતા જતા વાતાવરણને કારણે નિષ્ક્રીય
થઇ ગયેલા વાયરસ પણ પુનઃ સક્રિય થયા છે. જેના કારણે કોરોના વાયરસે પણ હવે ઉથલો
માર્યો છે. વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે જેની સામે હવે તંત્રએ પણ ટેસ્ટીંગ વધારી
દીધું છે. ગઇકાલે સેક્ટર-૧૯ની મેડિકલ વિદ્યાર્થિની સંક્રમિત થઇ હતી ત્યારે આજે પણ
વધુ બે કેસ સામે આવ્યા છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, સેક્ટર-૨૭માં
રહેતો અને ખાનગી વેપાર કરતો ૪૧ વર્ષિય યુવાનને ઘણા વખતથી ખાંસી સહિતની તકલીફ હતી
ડોક્ટરની સલાહ પ્રમાણે ટેસ્ટ કરાવતા આજે
તેમનો આરટી-પીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આવી જ રીતે કોબામાં રહેતી ૩૧ વર્ષિય ગૃહિણી કે જે થોડા દિવસ
પહેલા કેરાલા જઇને પરત ફરી છે તેને પણ શારીરિક તકલીફ થતા ટેસ્ટ કરાવ્યા હતા જેમાં
કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા સ્થાનિક તંત્ર દોડતું થઇ ગયું છે. બન્ને દર્દીઓને
હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તો બીજીબાજુ તેમના સંપર્કમાં આવેલા ૧૧ જેટલા
વ્યક્તિઓને પણ સાવચેત રહેવા માટે સુચના આપવામાં આવી છે.