વડોદરા,તા,20,જાન્યુઆરી,2020,સોમવાર
કિશનવાડી વુડાના મકાનમાં દારૃનો ધંધો કરતા બુટલેગરે પોતાના સાગરિકો સાથે મળીને યુવકની હત્યા કરી લાશ સળગાવી દીધી હતી. હત્યાની સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન પોલીસે આરોપીઓ પાસે કરાયું છે. અને આ ગુનામાં સામેલ વધુ બે આરોપીની પોલીસે ધરપકડ કરી આગામી તા.૨૪ની સુધીના રિમાન્ડ મેળવ્યા છે.
આ અંગેની વિગત એવી છે કે કિશનવાડી વુડાના મકાનમાં દારૃનો ધંધો કરતા બુટલેગર અનિલ ઉર્ફે અન્નુ ભગવાનદાસ રાજપૂતને શંકા હતી કે તેની પત્ની સાથે રૃષાંક ઉર્ફે નન્દુ રઘુનાથભાઈ માનવંકર (રહે. વુડાના મકાનમાં) ને આડા સંબંધ છે. જે શંકાના આધારે અનિલ ઉર્ફે અન્નુએ પોતાના સાગરિતો સાથે મળીને નન્દુની હત્યા કરી લાશ કોથળામાં બાંધી હાલોલ નજીકના વેજલપુર ગામની સીમમાં લઈ ગયો હતો. જ્યાં પેટ્રોલ છાંટીને નન્દુની લાશ આરોપીઓ સળગાવી દીધી હતી. આ ગુનામાં વારસીયા પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીઓ અનિલ ઉર્ફે અન્નુ,(૨) સુરેશ રમણભાઈ મારવાડી અને ૩. નગીન ઉર્ફે ટકલો પ્રભુદાસ પરમાર (તમામ રહે. વુડાના મકાનમાં કિશનવાડી)ની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા.
ગુનાની તપાસ કરતા પીઆઈ બી.પી.ચૌહાણે વધુ બે આરોપી શક્તિ શનાભાઈ રાજપૂત અને (૨) કિશન રમેશભાઈ મોેરે (બંને રહે વુડાના મકાનમાં કિશનવાડી)ની ધરપકડ કરી આગામી તા.૨૪મી સુધીના રિમાન્ડ મેળવ્યા છે. શક્તિએ મૃતક નન્નદુનો મોબાઈલ ફોન સગેવગે કરવામાં મદદ કરી હતી. જ્યારે કિશન હત્યામાં જોડે હતો.


