વિદેશી દારૃ અને બિયરના ટીન સાથે બે મહિલાઓ ઝડપાઈ
હાઈવે પર ઉતરીને શહેરમાં આવતી બંને મહિલાઓ પદમલાના રહીશને દારૃ આપવા જતી હતી
વડોદરા,તા.25,અોક્ટોબર,ગુરૃવાર
શહેર નજીક હાઈવે પર દેણાચોકડી પાસેથી થેલમાં વિદેશી દારૃની બોટલો તેમજ બિયરના ટીનનો જથ્થો લઈને શહેરમાં આવી રહેલા બે મહિલાની ડીસીબી પોલીસે ધરપકડ કરી બંનેને તપાસ માટે હરણી પોલીસને સોંપી હતી.
હાઈવે પર દેણાચોકડી પાસે આજે સવારે ખાનગી વાહનમાંથી ઉતરેલી બે મહિલાઓ સરતાબેન રાકેશભાઈ માવી (તરવાડિયાગામ,દાહોદ) અને લલીતાબેન મેહાભાઈ નિનામા (ખરોદાગામ,વડોદરા) વજનદાર થેલા લઈને શંકાસ્પદ હાલતમાં મોટનાથ મહાદેવ મંદિર તરફ નીકળી હતી. દરમિયાન આ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહેલી ડીસીબી ટીમના પીએસઆઈ મુછાળ તેમજ ભરતસિંહ સહિતના સ્ટાફે બંને મહિલાઓની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસમાં તેઓની પાસેથી વિદેશી દારૃની બોટલો તેમજ બિયરના ૨૧૭ ટીન મળી આવ્યા હતા.
પોલીસે તેઓની પાસેથી ૨૫,૩૦૦ની કિંમતનો દારૃનો જથ્થો કબજે લઈ તેઓને મુદ્દામાલ સાથે હરણી પોલીસને સોંપી હતી. આ મહિલાઓએ પદમલા ગામમાં રહેતા કનુભાઈ નામના ઈસમે દારૃનો જથ્થો મંગાવ્યો હોઈ તેને આપવા જતી હોવાની કબૂલાત કરતા પોલીસે કનુભાઈની શોધખોળ હાથ ધરી છે.