મહુધા અને લાલી ગામ નજીક અકસ્માતમાં બેના મોત, ત્રણને ઇજા
અકસ્માતનો સિલસિલો યથાવત
લાલી સીમમાં રોડ પર નીલ ગાય આવતા મોટર સાયકલ સ્લીપ ખાતાં એકનું મોત
નડિયાદ: મહુધા બસ સ્ટેન્ડ નજીક ઉભી રહેલ મોટર સાયકલ પર પાછળ બાઈક અથડાતા ગંભીર રીતે ઘવાયેલાં ત્રણ પૈકી એકનું મોત નિપજ્યું હતું. જ્યારે લાલી રોડ ઉપર નીલગાય આડી પડતા મોટરસાયકલ સાથે અથડાતા બાઈક સવાર બંને ને ઇજા થઇ હતી જે પૈકી એક નું મોત નિપજ્યું હતું. આ બંને બનાવ સંદર્ભે મહુધા તેમજ ખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
મહુધામાં રહેતા પ્રિન્સ ડેવિડ રાઠોડ તા.૧૦ બુધવારે રાત્રે રાહુલભાઈ સુરેશભાઈ પરમાર તેમજ જોયેલ કમલેશભાઈને મોટર સાયકલ પર બેસાડી બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા હતા, ત્યારે રોંગ સાઇડે મોટર સાયકલ હંકારી રોડ પર ઊભી રહેલ મોટરસાયકલ સાથે બાઈક અથડાતાં ત્રણેય બાઈક સવારને રોડ ઉપર પડી જતા ગંભીર ઈજા થઈ હતી.
જે પૈકી રાહુલ સુરેશભાઈ પરમાર નું વધુ સારવાર માટે નડિયાદની ખાનગી હોસ્પિટલમાં લઇ જતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે જોશેફ સીરીલભાઈ કિશ્ચયનની ફરિયાદ આધારે મહુધા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે બીજા બનાવમાં નાદેજ બારેજડીમાં સોમનાથ સોસાયટીમાં રહેતા શુભમ વિજયભાઇ મિશ્રા તેમના મિત્ર આનંદ પ્રસાદ શ્રીવાસ્તવને ઓરડી ભાડે રાખવી હોઇ મોટર સાયકલ પર બેસાડી બિડજથી બારેજડી જઈ રહ્યા હતા. આ દરમિયાન રાત્રિના આઠ વાગ્યાના સુમારે લાલી સીમ નજીક અચાનક રોડ ઉપર નીલ ગાય આવતા મોટરસાયકલ સાથે અથડાતા બાઈક સ્લીપ ખાઈ જવા પામી હતી જેથી બાઈક સવાર બંને રોડ ઉપર ફંગોળાઈ ગયા હતા.
જેથી રોડ પર પટકાયેલા શુભમભાઈ મિશ્રા તેમજ આનંદ સંજય પ્રસાદ શ્રીવાસ્તવને ગંભીર ઈજા થતાં સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આનંદ પ્રસાદ શ્રીવાસ્તવનું સારવાર દરમિયાન હતું. આ બનાવ સંદર્ભે શુભમ વિજયભાઈ મિશ્રાની ફરિયાદ આધારે ખેડા પોલીસે બાઈક ચાલક શુભમ મિશ્રા સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.