દાહોદ તાલુકામાં પાણીની ટાંકીનો સ્લેબ તૂટી પડતાં સાત મજૂરો દબાયા ઃ બેના મોત
સ્લેબ ભરતી વખતે જ દુર્ઘટના ઃ પાંચ મજૂરોને સારવાર માટે દાહોદની હોસ્પિટલમાં ખસેડાયા
દાહોદ તા.૧૪ દાહોદ તાલુકાના રોઝમ ગામના હોળી ફળિયામાં સાંજના પાંચ વાગ્યાના સુમારે પાણી પુરવઠા યોજના અંતર્ગત નિર્માણાધીન પાણીની ટાંકીનો સ્લેબ ભરવાના કામ દરમિયાન અચાનક સ્લેબ તૂટી પડતા તેની નીચે સાત મજૂરો દબાતા બેના મોત નિપજ્યા હતાં જ્યારે અન્ય પાંચ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ ખરોદા ગામના ગામતલ ફળિયા તેમજ ડુંગરા ફળિયાના પંદરથી વધુ મજૂરો આજે રોઝમ ગામના હોળી ફળિયામાં પાણી પુરવઠા યોજના અંતર્ગત નિર્માણાધીન પાણીની ટાંકીનો સ્લેબ ભરતા હતા ત્યારે સાંજના પાંચ વાગ્યાના સુમારે સ્લેબ અચાનક તૂટતા ૧૫ પૈકી સાત જેટલા મજૂરો સ્લેબ નીચે દબાઈ ગયા હતાં.
બનાવ દરમિયાન મોટી સંખ્યામાં ભેગા થયેલા આસપાસના ગ્રામજનો તથા કામ કરી રહેલા અન્ય મજૂરોએ સાત પૈકી પાંચ જેટલા મજૂરોને હેમખેમ બહાર કાઢી દાહોદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમજ અન્ય બે મજૂરો સ્લેબ નીચે દબાયા હોવાથી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. લગભગ બે કલાકની જહેમત બાદ સળિયા કાપી સ્લેબ નીચે દબાયેલા બંને મજૂરોને બહાર કાઢવામાં આવ્યા પરંતુ બંને મૃત્યુ પામ્યા હતા.
પાણીની ટાંકીનો સ્લેબ તૂટી પડવાની ઘટનામાં ગામના ગામતળ ફળીયાના મોતીભાઈ વાઘજીભાઈ નીનામા, તેમજ ડુંગરા ફળિયાના કીલેશભાઈ સમેશભાઈ નીનામા મોતને ભેટયા હતાં. જ્યારે ખરોદા ડુંગરા ફળિયાના દિનેશ સિંગા નીનામા,અનિલ તેરસિંગ નીનામા, અજીત ભરત નિનામા, તેમજ અન્ય બે મજૂરો મળી પાંચ જેટલા ઇજાગ્રસ્તો મજૂરો દાહોદ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.