લહેરીપુરામાં બે જેસીબી, ડમ્પર અને ટ્રેક્ટરો રેતી માફિયાઓ છોડાવી ગયા
સાંજે ચાલતું ગેરકાયદે રેતીખનન ઃ ગુલાબપુરા અને લહેરીપુરાના બે શખ્સો સામે નોધાયેલી ફરિયાદ
વડોદરા,તા.23 ડેસર તાલુકાના લહેરીપુરા ગામની સીમમાં કરાડ નદીના કોતરોમાં મોડી સાંજે ગેરકાયદે રેતીખનન ઝડપી પાડવા ગયેલા રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને અન્ય સ્ટાફ સાથે ઝગડો કરીને રેતી માફિયાઓ બે જેસીબી, એક ટ્રેક્ટર અને ડમ્પર છોડાવીને ભાગી ગયા હતાં.
આ અંગેની વિગત એવી છે કે વડોદરા જિલ્લાના ખાણખનીજ વિભાગના મહિલા રોયલ્ટી ઇન્સ્પેક્ટર સોનલ મેવાડા તેમના સ્ટાફ સાથે જરોદ પાસે ગઇકાલે ચેકિંગમાં હતા ત્યારે તેમને મળેલી સૂચના મુજબ તેઓ ડેસર તાલુકાના લહેરીપુરા પહોંચ્યા હતાં. આ વખતે શ્રીરામ અર્થ મુવર્સ લખેલ જેસીબી મશીન રેતીખનન કરતું જણાયું હતું. દરમિયાન ડ્રોન ઓપરેટર દ્વારા શુટિંગ શરૃ કરાયું હતું. સ્થળ પર એક રેતી ભરેલું અને એક ખાલી ટ્રેક્ટર જણાયા હતાં. સિક્યુરિટિ માણસ વાલમભાઇએ ગેરકાયદે રેતીખનન સ્થળ પર જઇને અટકાવ્યું હતું.
આ વખતે નજીકમાંથી પણ રેતીખનનનો અવાજ આવતા સિક્યુરિટિ ત્યાં ગયો ત્યારે એક જેસીબી અને ડમ્પર જણાયા હતાં. આ વખતે સોનલ મેવાડા એકલા જણાતા ગુલાબપુરા ગામમાં રહેતા અને ગેરકાયદે રેતીખનન કરતા અશ્વિન માછી તેમજ લહેરીપુરાના મુકેશ પરમારે સોનલ મેવાડા સાથે ઝઘડો કરી બે જેસીબી, ટ્રેક્ટરો અને ડમ્પર ભગાડી ગયા હતાં. આ અંગે સોનલ મેવાડાએ બંને સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.