Get The App

વડોદરામાં જાહેર માર્ગ ઉપર ગધેડા, ઘોડા, ગાય રખડતા મુકનાર બે પશુપાલકની અટકાયત

Updated: Aug 29th, 2023

GS TEAM


Google News
Google News
વડોદરામાં જાહેર માર્ગ ઉપર ગધેડા, ઘોડા, ગાય રખડતા મુકનાર બે પશુપાલકની અટકાયત 1 - image

image : Freepik

વડોદરા,તા.29 ઓગસ્ટ 2023,મંગળવાર

વડોદરા શહેરમાં ઠેર ઠેર જાહેર માર્ગ ઉપર રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે. તેમાય પશુઓને રસ્તા ઉપર દોડાવી અકસ્માતને નોતરૂ આપતા પશુપાલકો સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ગધેડા, ઘોડા, ગાય સહિત 14 પશુઓને રસ્તે રખડતા મુકનાર પશુપાલકો સામે પાલિકાએ લાલઆંખ કરી ફોજદારી કાર્યવાહી હાથ ધરતા પોલીસે બે પશુપાલકોની અટકાયત કરી હતી.

વડોદરા કોર્પોરેશનની દબાણ શાખા ટીમના સુપરવાઇઝરે ફરિયાદ નોંધાવી હતી કે, 27 ઓગસ્ટના રોજ બપોરે છાણી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી રખડતા પશુઓને પકડી ખાસવાડી ઢોર ડબ્બા ખાતે રાખવામાં આવ્યા હતા. 12 ગધેડા તથા એક ઘોડો સહિત 13  પશુઓના માલિક અજય સોમાભાઈ ઓડ (રહે -ઓડફળિયુ, છાણી ગામ) હોવાની વિગતો સપાટી પર આવી હતી. તેવી જ રીતે 25 ઓગસ્ટના રોજ સમા તળાવ પાસેથી પાલિકાની ટીમે એક ગાય ઝડપી પાડી હતી. જેના માલિક ગગજી ઝાલાભાઇ ભરવાડ (રહે- ભરવાડ વાસ, વેમાલી ગામ) હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે બંને પશુપાલકો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે નોંધનીય છે કે, પશુપાલકો જાહેર માર્ગ ઉપર પશુઓ રખડતા મૂકતા લોકોના જીવ સામે જોખમ ઊભું થાય છે. પશુપાલકોને અવારનવાર ચેતવા છતાં હજુ પણ મુખ્ય માર્ગ ઉપર રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે. તંત્રએ આ બાબતે ચિંતા વ્યક્ત કરી કડકાઈ દાખવવી જરૂરી છે.


Tags :