નરેન્દ્ર મોદીના જન્મદિને ભાજપનો પ્રવેશોત્સવ : કોંગ્રેસના બે પૂર્વ પ્રમુખ ભાજપમાં જોડાશે
Updated: Sep 14th, 2023
વડોદરા,તા.14 સપ્ટેમ્બર 2023,ગુરૂવાર
વડોદરા શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રશાંત પટેલ (ટીકો)એ શહેર કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી પંજાનો સાથ છોડી દીધો છે. આગામી તારીખ 17ના રોજ તેઓ ભાજપમાં જોડાશે.
તારીખ 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત વડોદરા શહેર ખાતે ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાનાર છે. જેમાં પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ હાજર રહેનાર છે. બહુચરાજી રોડ સ્થિત ભાજપ ના નવા કાર્યાલયનું બાંધકામ શરૂ થવાનું છે તે જગ્યા પર કાર્યકર્તાઓનું સંમેલન રાખવામાં આવ્યું છે આ સંમેલનમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલ જોડાવાના છે. ત્યારે કોંગ્રેસ માટે વધુ એક માઠા સમાચાર આવી રહ્યા છે. શહેર કોંગ્રેસના વધુ એક પૂર્વ પ્રમુખ અને યુવા નેતા પ્રશાંત પટેલે કોંગ્રેસના પ્રાથમિક સભ્ય સાથે તમામ હોદ્દા પરથી પોતાનું રાજીનામું પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને સુપ્રત કરી દીધું છે વાતચીતમાં તેમણે સ્વીકાર્યું હતું કે, આગામી 17 સપ્ટેમ્બરના રોજ તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાશે.
આમ વડોદરા કોંગ્રેસના બે પૂર્વ પ્રમુખ તેઓના ટેકેદાર સાથે વિધિવત રીતે ભાજપમાં જોડવાના હોવાથી કોંગ્રેસને માઠી અસર પહોંચશે.