Get The App

ઠાસરા પાસે પસાર થતી મહી કેનાલમાં ડૂબી જવાથી બે ખેતમજૂરોનાં મોત

- કેનાલમાં પગ ધોવા જતા બંને ગરકાવ થયા

Updated: Jul 10th, 2020

GS TEAM

Google News
Google News
ઠાસરા પાસે પસાર થતી મહી કેનાલમાં ડૂબી જવાથી બે ખેતમજૂરોનાં મોત 1 - image


- મોડી રાત સુધી બંને શ્રમિકોના મૃતદેહ તંત્રને હાથ લાગ્યા નથી : મોટા કોતરિયામાં શોકની લાગણી

નડિયાદ,તા. 9 જુલાઈ 2020, ગુરુવાર


ખેડા જિલ્લાના તાલુકા મથક ઠાસરા નજીકથી પસાર થતી મહી કેનાલમાં આજે બે યુવાન ખેતમજૂરો ડૂબી ગયા છે. મોડી રાત સુધી કામગીરી ચાલુ હોવા છતાં તેમના મૃતદેહો તંત્રને મળ્યા નથી. પટેલના ખેતરમાં ડાંગરની રોપણીનું કામ કરતા આ મજૂરો બપોરના સમયે હાથપગ ધોવા જતા મૃત્યુ પામ્યા છે. 

ઠાસરા તાલુકાના ડાભસર ગામ નજીકથી પસાર થતી મહી કેનાલમાં આજે બપોરે આ બે યુવાનો ડૂબ્યા છે. જેની સીલસીલાબંધ વિગતો એવી છે કે ડાભસર નજીક આવેલા મોટા કોતરીયા ગામના બે યુવાનો ખેતમજૂરી કરવા માટે આજે સવારથી ડાભસર આવ્યા હતા. અને ડાંગરની રોપણીનું કામ કરતા હતા. એક જ પરિવારના આ બે યુવાનો નામે ભરતસિંહ બાબુભાઇ પરમાર, ઉં. ૧૬ અને અજયસિંહ ગણપતસિંહ પરમાર, ઉં.૧૭ બપોરે રોપણીનું કામ પતાવીને નજીકમાં આવેલી મુખ્ય મહી કેનાલમાં પાણી પીવા અને હાથપગ ધોવા ગયા હતા. 

જે દરમ્યાન અચાનક ભરતસિંહનો પગ લપસતા તે કેનાલના ધસમસતા પ્રવાહમાં તણાયો હતો. વણાકબોરીથી નીકળીને ડાભસર આવતી આ મહીકેનાલ બે કાંઠે ભરપૂર હતી. અને ૧૯ ફૂટ જેટલા ઊંડા પાણીમાં ડૂબેલો ભરતસિંહ પોતાની જાતને બચાવી શક્યો ન હતો. આથી તેના સગા કાકાના દિકરા અજયસિંહ ગણપતસિંહ પરમાર તેને બચાવવા નીચે ઉતર્યો અને જોતજોતામાં તે પણ પાણીમાં ડૂબી ગયો હતો.  આ ઘટનાની જાણ થતા ડાભસરના સરપંચ રમણભાઇ પરમાર અને ગામના બીજા જાગૃત લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસકાફલો પણ જોતજોતામાં પહોંચ્યો હતો અને સ્થાનિક તરવૈયાઓની મદદથી તેમની શોધખોળ શરુ કરી હતી.

આ ઉપરાંત નડિયાદ ફાયરબ્રીગેડ પણ ઘટના સ્થળે પહોંચી ગયું છે. પરંતુ આ લખાય છે ત્યાં સુધી બંને યુવકોના મૃતદેહો તંત્રના હાથમાં આવ્યા નથી અને શોધખોળ ચાલુ છે. ઠાસરા તાલુકાના મોટા કોતરિયા ગામે ભાથીજી મંદિર પાસે રહેતા અજયસિંહ ગણપતસિંહ પરમાર પરિવારમાં એકનો એક દિકરો હતો. જે ડૂબી જતા તેની બહેને વ્હાલસોયો ભાઇ ગુમાવ્યો છે. જ્યારે તેનો પિતરાઇ ભાઇ ભરતસિંહ પરમારની પણ એક નાના ભાઇ બહેન હયાત છે. આ બંને પરિવારોમાં શોકની લાગણી અને આક્રંદ રૂદનથી સ્થાનિક વાતાવરણ ગમગીન બન્યું છે.

Tags :