Get The App

હડમતાળા જીઆઈડીસીમાં પાણી ભરેલા ખાડામાં બે બાળકો ડૂબ્યા, એકનું મોત

Updated: Aug 20th, 2023

GS TEAM


Google News
Google News
હડમતાળા જીઆઈડીસીમાં પાણી ભરેલા ખાડામાં બે બાળકો ડૂબ્યા, એકનું મોત 1 - image


ગોંડલના ભરૃડી સામે આવેલા

ન્હાવા પડેલો ૯ વર્ષીય બાળક ડૂબવા લાગતા તેને બચાવવા જતા ૧૦ વર્ષીય બાળકી ડૂબી પરંતુ લોકોએ બચાવી લીધી પણ હાલત ગંભીર

ગોંડલ :  ભરુડી ગામે આવેલા હડમતાળા જીઆઈડીસી ઝોનમાં ફોર્જીંગ કારખાનાની પાછળ પાણી ભરેલા ખાડામાં બાળકો ન્હાવા પડતાં એક બાળકનું ડુબી જવાથી મોત નિપજ્યું હતું.જ્યારે અન્ય એક બાળકીને ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાઇ હતી.

પ્રાપ્ત વિગત મુજબ હડમતાળા જીઆઈડીસી વિસ્તારમાં વરસાદી પાણી ભરેલા ખાડામાં કેટલાક બાળકો ન્હાવા પડયા હતા. દરમિયાન શુભમ રાજીવ કંવર (ઉ.વ.૯) નામનો બાળક પાણીમાં ડૂબવા લાગતા બાળકોએ દેકારો કરી મુક્યો હતો. આ વેળા નેહા મેઘરાજ મુકારલાલ (ઉ.વ.૧૦)એ શુભમને બચાવવા પ્રયત્ન કર્યો હતો પરંતુ એ પણ ડૂબવા લાગતા દોડી આવેલા લોકોએ નેહાને બચાવી લીધી હતી. પરંતુ શુભમનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.

શુભમના મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યારે પાણી પી જવાથી નેહાની હાલત ગંભીર હોય સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી.

મૃતક શુભમના પિતા મુળ બિહારનાં રાજીવ કંવર હડમતાળા જીઆઈડીસીમાં આવેલા ઓઇલ ફિલ્ડ ફોર્જીંગમાં કામ કરે છે. સંતાનમાં બે પુત્ર છે. જેમાં શુભમ મોટો હતો. નેહાના પિતા મેઘરાજભાઈ પણ ફોર્જીંગમાં કામ કરે છે. શુભમનો પરિવાર મજૂરી કામ કરે છે. જો મૃતદેહ બિહાર લઇ જવાય તો મોટો ખર્ચ થતો હોય પરિવાર લાચાર બનતા શિવમ સાર્વજનિક ટ્રસ્ટનાં દિનેશભાઈ માધડ, જય માધડ, જયેશ વાળા સહિતે માનવતા દાખવી રાત્રિનાં ગોંડલ સ્મશાન ગૃહમાં શુભમની વિધિવત અંતિમવિધિ કરી હતી. બનાવ અંગે કોટડાસાંગાણી પોલીસે તપાસ હાથ ધરી છે. 

Tags :