Updated: Mar 18th, 2023
દશેલાનો યુવાન ખેડૂત તથા સાણોદા ગામની ગૃહિણી કોરોનામાં સપડાયા ઃ બન્ને હોમ આઇસોલેસનમાં
બેવડી ઋતુ અને સતત બદલાતી જતી આબોહવાને પગલે કોરોનાના વાયરસ
ફરી સક્રિય થયા છે તો બીજીબાજુ અન્ય વાયરસની પણ એન્ટ્રી થઇ ગઇ છે. આવી સ્થિતિમાં
ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. પાટનગર અને
કોર્પોરેશન વિસ્તારમાંથી બે દિવસમાં ત્રણ કેસ મળી આવ્યા બાદ આજે જિલ્લાના ગ્રામ્ય
વિસ્તારમાંથી બે કેસ સામે આવ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ ગાંધીનગર તાલુકાના
દશેલા ગામમાં રહેતો ૨૧ વર્ષિય યુવાન કે જે ખેતીવાડીના વ્યવસાય સાથે સંકળાયેલો છે
તેને ઘણા દિવસથી શરદી-ખાંસી અને તાવની ફરિયાદ રહેતી હતી ડોક્ટરની સલાહ પ્રમાણે
કોરોના ટેસ્ટ કરાવતા આજે તેનો આરટી-પીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આવી જ રીતે
દહેગામ તાલુકાના સાણોદા ગામમાં રહેતી ૩૦ વર્ષિય ગૃહિણીનો રિપોર્ટ પણ કોરોના
પોઝિટિવ આવતા સ્થાનિક તંત્ર દોડતું થઇ ગયું છે. હાલ આ બન્ને દર્દીઓની તબીયત સારી
હોવાને કારણે તેમને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તો બીજીબાજુ તેમના
સંપર્કમાં આવેલા વ્યક્તિોને પણ સતર્ક રહેવા માટે સુચન કરવામાં આવ્યું છે. તો
બીજીબાજુ શંકાસ્પદ દર્દીઓનું ટેસ્ટીંગ વધારી દેવા માટે પણ આરોગ્ય કેન્દ્રના
ડોક્ટરોને આદેશ કરવામાં આવ્યો છે.
ગાંધીનગર શહેરી વિસ્તારમાંથી કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ
ગાંધીનગર શહેરી વિસ્તારમાં આજે પણ વધુ બે દર્દીઓ નોંધાયા
છે. સેક્ટર-૨૬માં રહેતા ૪૨ વર્ષિય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે, તેમને હૃદય
સંબંધી બિમારી હોવાને કારણે તેમને યુએન મહેલા હોસ્પિટલ દાખલ કરીને સારવાર આપવામાં
આવી રહી છે. તો બીજીબાજુ સેક્ટર-૭માં રહેતા અને નિવૃત્ત ૭૪ વર્ષિય વૃધ્ધનો રિપોર્ટ
પણ પોઝિટિવ આવ્યો છે. તેમને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને આ બન્ને
દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને આઇસોલેટ રહેવા સુચના આપવામાં આવી છે.