Updated: Mar 18th, 2023
વડોદરાઃ સુરતથી ભાડે કરેલી કારના ડ્રાઇવરને ચકમો આપી કાર લઇને ભાગી ગયેલા ત્રણ સાગરીતોમાંથી બે જણાને સમા પોલીસે ઝડપી પાડયા છે.જ્યારે ત્રીજાની શોધખોળ હાથ ધરી છે.
સુરતના પલસાણા ખાતે રહેતા દિલીપ કુમાર નંગલિયાની કાર ભાડે કરીને ત્રણ જણા તા.૧૧મીએ સાંજે વડોદરા આવ્યા હતા.અહીંથી તેઓ ડ્રાઇવરને લઇ અમદાવાદ ગયા હતા અને ત્યારબાદ તા.૧૨મીએ પરોઢિયે વડોદરાના દુમાડ હાઇવે પર આવ્યા હતા.ત્રણેય જણા કોઇની રાહ જોઇ રહ્યા હતા ત્યારે થાકી ગયેલા કાર ડ્રાઇવર નીચે ઉતરતાં ત્રણેય જણા કાર લઇ ભાગી છૂટયા હતા.
સમા પોલીસના પીઆઇ એમ બી રાઠોડે આ અંગે ગુનો નોંધી બે ટીમો બનાવી હતી.જે પૈકી એક ટીમે સીસીટીવી ફૂટેજ તેમજ કાર ડ્રાઇવરને કરેલા કોલને આધારે સર્ચ કરી આરોપીઓનું લોકેશન શોધી કાઢ્યું હતું.પોલીસે સચીન વિસ્તારમાં વોચ રાખી સૂત્રધાર ગણેશ મદનસિંગ કુશ્વાહ( ઝા કોમ્પ્લેક્સ, પ્રિયંકા ગ્રીન સીટી પાછળ, કડોદરા, સુરત) અને પવન તેજરામ જાટ (સોની પાર્ક,કડોદરા,સુરત)ને ઝડપી પાડયા હતા.
સમા પોલીસે બંને આરોપી પાસેથી કાર અને બે મોબાઇલ કબજે કર્યા હતા.જ્યારે અન્ય એક આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.