સરકારી કચેરીના બનાવટી બોર્ડરના આધારે વાઘોડિયા રોડની જમીનની ખોટી એન્ટ્રી પડાવનાર બે આરોપીની ધરપકડ
૪.૮૪ લાખ ફૂટની જમીનમાં ખોટા હુકમથી કોને ફાયદો થાય ? તેની તપાસ શરૃ
વડોદરા,તા,11,ફેબ્રુઆરી,2020,મંગળવાર
વાઘોડિયા રોડ પર આવેલી ૪.૮૪ લાખ ફૂટ જમીનમાં પોતાના નામની એન્ટ્રી પડાવવા માટે જમીન સુધારણા નાયબ કલેકટર કચેરી વડોદરા તથા જમીન સુધારણા કમિશ્નર ગાંધીનગર કચેરીના બનાવટી હુકમ વડોદરા મામલતદાર કચેરીમાં રજૂ કરવામાં આવ્યા હતા. જે ગુનામાં બે આરોપીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
આ અંગેની વિગત એવી છે કે મૈયત નારણભાઈ ચીમનભાઈના વારસદાર રાજુ નારણભાઈ માળી (રહે. સમા બસ સ્ટેન્ડ પાસે) ના પાવર ઓફ એટર્ની હોલ્ડર મનિષ શનાભાઈ માળી (રહે. શાંતિનગર તરસાલી રોડ)એ ગત તા.૫-૧-૨૦૧૯ના રોજ મામલતદાર કચેરીમાં અરજી કરી હતી. આ અરજી સાથે જમીન સુધારણા કમિશ્નર ગાંધીનગરના હુકમોની નોંધ આજદિન સુધી થઈ નથી. તેથી તે હુકમોની નોંધ પાડવા રજૂઆત થઈ હતી. જેમાં દંતેશ્વર ગામના અલગ અલગ સર્વે નંબર હતા. તેમજ જગ્યા વાઘોડિયા રોડ વિસ્તારની હતી.
જે અરજીના આધારે રાજુ માળીનું નામ દાખલ થયુ હતુ.
આ કાચી નોંધ પ્રમાણિત થાય તે અરસામાં સુરેશ કાળીદાસ માળીએ મામલતદાર કચેરીમાં અરજી કરી હતી કે આ જમીન પચાવી પાડવા માટે એક ચોક્કસ ગેંગ સક્રિય થઈ છે. જેથી અરજી સાથે રજૂૂ થયેલા સરકારી કચેરીના હુકમોની ચકાસણી કરવા જણાવ્યું હતુ. તપાસ દરમિયાન જણાવી આપ્યું હતું કે ત્રણ ખોટા હુકમો રજૂ થયા હતા. ૧. નાયબ કલેકટર જમીન સુધારણા વડોદરાનો તા.૨૯-૫-૨૦૦૯ ૨. જમીન સુધારણા કમિશ્નરની કચેરી ગાંધીનગરનો તા.૧૧-૫-૨૦૧૫ તથા તા.૧૯-૧૧-૨૦૧૭ના બનાવટી હુકમો રજુ થયા હતા. જે ગુનામાં ડીસીબી પોલીસે રાજુ માળી તેમજ મનિષ માળીની ધરપકડ કરી કોર્ટમાંથી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
આ ખોટા હુકમ આરોપીઓએ કોની મદદથી મેળવ્યા છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે.