ખેડા જિલ્લામાં અકસ્માતની બે ઘટના મહિલા અને પુરૂષનાં મોત નિપજયાં
- કઠલાલ ઓવરબ્રિજ પર બાઇક ખાડામાં પટકાતા મહિલાનું, ખેડા-મહેમદાવાદ રોડ પર વાહને રાહદારીને ટક્કર મારી
નડિયાદ,તા.4 જુન 2020 ગુરૂવાર
ખેડા જિલ્લામાં બે અલગ અલગ સ્થળો પર ગમખ્વાર અકસ્માતો સર્જાયા હતા.જેમાં પહેલો બનાવ કઠલાલ ઓવરબ્રિજ અમદાવાદ-ઇન્દોર હાઇવે પર,જ્યારે બીજો અકસ્માત ખેડા-મહેમદાવાદ રોડ પર આવેલ એક ફાર્મ હાઉસ નજીક સર્જાયા હતા.બંને ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિઓના મૃત્યુ નિપજયા હતા.
ગમખ્વાર અકસ્માતનો પહેલો બનાવ કઠલાલ ઓવરબ્રિજ અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ભીખાભાઇ પૂજાભાઇ ડામોર અને પત્ની રેખાબેન ઉં.35 મોટર સાયકલ લઇને અમદાવાદ જતા હતા.તે સમયે કઠલાલ નજીક રસ્તા પરના ખાડામાં મોટર સાયકલ પટકાતા મોટર સાયકલ પાછળ બેઠેલ રેખાબેન રોડ પર પટકાતા ગંભીર ઇજાઓ પહોચી હતી.જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે કઠલાલ સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા.જ્યા ડૉકટરે તપાસ કર્યા બાદ રેખાબેનને મૃત જાહેર કર્યા હતા.આ બનાવ અંગે મણીલાલ મસુરભાઇ ખાંટ રહે,ટાંકાના મૂવાડા તા.લુણાવાડાએ કઠલાલ પોલીસ મથકે ભીખાભાઇ પૂજાભાઇ ડામોર વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.
ગમખ્વાર અકસ્માતનો બીજો બનાવ ખેડા-મહેમદાવાદ રોડ પર આવેલ એક ફાર્મ હાઉસ નજીક સર્જાયા હતો.જેમાં કોઇ અજાણ્યા વાહન ચાલકે રોડ પરથી ચાલતા જતા અજાણ્યા પુરુષ ઉં.35ને ટક્કર મારી હતી.જેથી ગંભીર ઇજાગ્રસ્ત બનેલ અજાણ્યા પુરુષનુ મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવ અંગે ગણેશભાઇ હરીરામ ચૌહાણ રહે,સહજાનંદ કોમ્પલેક્ષ પાસે ખેડાએ ખેડા પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે કઠલાલ અને ખેડા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.