ઈસનપુરના અનન્ય બંગલોમાં 12થી વધુ લોકો સંક્રમિત બન્યા
- મ્યુનિ. દ્વારા સંક્રમિત રહીશોના ટેનામેન્ટને માઈક્રો કન્ટેઈન્મેન્ટ એરિયામાં મુકાયા
અમદાવાદ, તા. 18 જુલાઇ, 2020, શનિવાર
શહેરના દક્ષિણ ઝોનના ઈસનપુર વોર્ડમાં આવેલા અનન્ય બંગલોમાં રહેતા 12થી વધુ લોકો કોરોના સંક્રમિત થતાં આ બંગલોના એ અને બી બ્લોકને માઈક્રોકન્ટેઈન્મેન્ટ એરીયામાં મુકવામાં આવ્યા હોવાની વિગતો બહાર આવી છે.
મળતી માહીતી પ્રમાણે, દક્ષિણઝોનમાં આવેલા વિસ્તારોમાં ફરી એક વખત કોરોના પોઝિટિવની સંખ્યા વધી રહી હોવાનું જાણવા મળે છે. મ્યુનિ. તંત્ર દ્વારા શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા ઘટી રહી હોવાના કરવામાં આવી રહેલા દાવાની વચ્ચે ઈસનપુર વોર્ડમાં આવેલા અનન્ય બંગલોમાં 12થી વધુ લોકો કોરોના સંક્રમિત બન્યા હતા.
આ બંગલોના એ અને બી બ્લોકમાં આવેલા ટેનામેન્ટમાં રહેતા લોકોને માઈક્રોકન્ટેઈન્મેન્ટ હેઠળ મુકવામાં આવ્યા હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. અત્રે નોંધનીય છે કે,આ વોર્ડમાં અગાઉ પણ એક જ સોસાયટીમાં છથી વધુ પોઝિટિવ કેસ નોંધાવાની ઘટના બની હતી.
ગાંધીરોડ પર ફરી સંક્રમણમાં વધારો
અનલોક-ટુમાં આપવામાં આવેલી વ્યાપક મુકિત બાદ શહેરના હાર્દસમાન એવા ગાંધીરોડ પર ઈલેકટ્રીક બજાર શરૂ થયા બાદ ફરી કોરોના સંક્રમણમાં વધારો થયો છે.સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ,ગાંધીરોડ ઈલેકટ્રીક બજારમાં કામ કરતા લોકો પૈકી ત્રણથી વધુ લોકો કોરોના ટેસ્ટમાં પોઝિટિવ થયા છે. ગાંધીરોડ પર આવેલી હીંગળોક જોષીની પોળમાં પણ શનિવારે કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે.
અમદાવાદના વધુ છ વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટમાં ઉમેરાયા
અમદાવાદ, શનિવાર
શહેરમાં શનિવારના રોજ મ્યુનિ.દ્વારા વધુ છ વિસ્તાર માઈક્રોકન્ટેઈન્મેન્ટ વિસ્તારોની યાદીમાં સમાવવામાં આવ્યા છે.આ અંગે મળતી માહીતી પ્રમાણે,મ્યુનિ.એ અગાઉ શહેરના 206 વિસ્તારોને માઈક્રો કન્ટેઈન્મેન્ટ હેઠળ મુકાયા હોવાની જાહેરાત કરી હતી.આ વિસ્તારો પૈકી શનિવારે નવ વિસ્તારોમાંથી નિયંત્રણ દુર કરવામાં આવ્યા છે.આ સાથે નવા છ વિસ્તારને માઈક્રોકન્ટેઈમેન્ટમાં મુકયા છે.નવા ઉમેરવામાં આવેલા વિસ્તારોમાં મનમંદિર ફલેટ,મણિનગરના 22 મકાન,બેલા પાર્ક,ઓઢવના 22 મકાન,સાંઈ ફલેટ,ઓઢવના 18 મકાન,રોહીતનગર,ચાણકયપુરીના 10 મકાનનો સમાવેશ થાય છે.ઉપરાંત થલતેજ ગામમાં આવેલી વાણીયાવાસ ખડકીના દસ મકાન અને સ્વસ્તિક ફલોરન્સ,બોપલના ચાર મકાનનો સમાવેશ થાય છે.