યુપી ખાતેની માથાકૂટની અદાવતે ત્રિપુટીનો યુવક ઉપર લોખંડની પાઇપ અને હોકી વડે ફિલ્મી ઢબે હુમલો
image : Freepik
વડોદરા,તા.15 ઓગષ્ટ 2023,મંગળવાર
યુપી ખાતે થયેલ માથાકૂટની અદાવતે ત્રણ બાઇક સવાર શખ્સોએ ફિલ્મી ઢબે યુવકને રોકી લોખંડની પાઇપ અને હોકીના ફટકા મારતા ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. ઈજાગ્રસ્તની ફરિયાદના આધારે પોલીસે હુમલાખોર ત્રિપુટી વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલ ગાજરાવાડી વિસ્તારમાં રહેતો રોહિતકુમાર સૂર્યનાથ બિંદ ફેબ્રિકેશનનું મજૂરી કામ કરે છે. તેણે ફરિયાદમાં કહ્યું હતું કે, 13 ઓગસ્ટના રોજ હું સવારે કારખાના ઉપરથી બહેનના ઘરે જમવા માટે જતો હતો તે વખતે સુવેઝ પંપિંગ સ્ટેશન પાસે અનિલ રામચંદન બિંદ, બંસરાજ રામફેર બિંદ તથા પવન રામ મુખતાર બિંદ (ત્રણેવ રહે- ગાજરવાળી/ મૂળ રહે -યુપી) એ પોતાની મોટરસાયકલો મારી બાઇક આગળ ઊભી રાખી મને રોક્યો હતો. અને ત્રણ માસ અગાઉ વતનમાં મારા નાના ભાઈ સાથે થયેલ ઝઘડાના સમાધાન બાદ તેની અદાવત રાખી મારી સાથે ઝઘડો કર્યો હતો. અને હોકી તથા લોખંડની પાઇપના ફટકા મારી મને ઇજાઓ પહોંચાડી છે. શેઠ આવી પહોંચતા મને રિક્ષામાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જેમાં જમણા હાથ તથા આંગળીના ભાગે ફેક્ચર થયાનું બહાર આવ્યું છે.