રાજ્યના નાયબ કલેક્ટર કક્ષાના ગુજરાત વહીવટી સેવાના સાત ઓફિસરોની બદલી
પ્રાંત અધિકારી, જિલ્લા ચૂંટણી અધિકારી અને સ્ટેમ્પડયુટીમાં કામ કરતા અધિકારીઓને નવી નિમણૂકો
ગાંધીનગર : રાજ્યના મહેસૂલ વિભાગ તરફથી ગુજરાતના નાયબ કલેક્ટર સંવર્ગ, ગુજરાત વહીવટી સેવા વર્ગ-1ના સાત અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલી પ્રમાણે પેટલાદના પ્રાંત અધિકારી મનિષા આર બ્રહ્મભટ્ટને ભાવનગરના સિવિસ ડિફેન્સમાં નાયબ નિયામક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
એવી જ રીતે દિપ્તી વી પ્રજાપતિ કે જેઓ મહેસાણામાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી છે તેમને બનાસકાંઠામાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે મૂકવામાં આવ્યા છે જ્યારે આ સ્થાન પર ફરજ બજાવી રહેલા ડીએસ નિનામાને મહેસાણાના નાયબ જિલ્લી ચૂંટણી અધિકારી બનાવવામાં આવ્યા છે.
તુષાર કે જાની કે જેઓ નવસારીમાં પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા હતા તેમને ગીર સોમનાથમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે જ્યારે આરઆર બોરડ કે જેઓ સુરતની જમીન સુધારણા કચેરીમાં નાયબ કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા તેમને નવસારીના પ્રાંત અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત અમિત એચ. ચૌધરી કે જેઓ નવસારીની સ્ટેમ્પડયુટી કચેરીમાં નાયબ કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા તેમને નવસારીના ચિખલીમાં પ્રાંત અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે મિતેષ કુમાર એમ પટેલ કે જેઓ સુરતમાં સ્ટેમ્પડયુટી-2ની કચેરીમાં ફરજ બજાવતા હતા તેમને સુરતની જમીન સુધારણા કચેરીમાં નાયબ કલેક્ટર તરીકે નિયુક્તિ આપવામાં આવી છે.