Get The App

મોટનાથ મહાદેવ રોડ પર ટ્રાફિક સમસ્યા ઉકેલવા તંત્રને રસ નથી

ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશન ટ્રાફિક સમસ્યા ઉકેલવા એકબીજાને ખો આપી રહ્યું છે

Updated: Aug 29th, 2020

GS TEAM


Google News
Google News
મોટનાથ મહાદેવ રોડ પર ટ્રાફિક સમસ્યા ઉકેલવા તંત્રને રસ નથી 1 - image

વડોદરા, તા.29 ઓગસ્ટ, શનિવાર

વડોદરા શહેરના વિકસિત હરણી વિસ્તારમાં મોટનાથ મહાદેવ રોડ પર ટ્રાફિકની કોઇ વ્યવસ્થા નહી હોવાથી વારંવાર નાના-મોટા અકસ્માતો થતા હોય છે. આ વિસ્તારના નાગરિકો ઉચ્ચકક્ષાએ રજૂઆત કરે તો ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશન વચ્ચે ધક્કા ખવડાવવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે આ રોડ પર અનેક પૌરાણિક મંદિરો, શૈક્ષણિક સંસ્થાઓ, પાર્ટી પ્લોટો આવેલા છે. તાજેતરમાં હરણીથી સમા વિસ્તારને જોડતો એક બ્રિજ ચાલુ થતા ટ્રાફિક વધી ગયો છે. હરણીથી મોટનાથ મહાદેવ તરફ જતા માર્ગ પર ચારેબાજુએ ગેરકાયદે પાર્કિગ મોટાપાયે હોય છે પરંતુ આ વાહનો પણ દૂર કરવામાં તંત્રને રસ ના  હોય તેમ લાગે છે.

આ વિસ્તારની ટ્રાફિક સમસ્યા હળવી કરવા તેમજ ટ્રાફિક સર્કલ બનાવવા માટે છેક વડાપ્રધાન કાર્યાલય સુધી રજૂઆત કરવા છતાં હજી સુધી કોઇ નિવેડો આવ્યો નથી. બે થી ત્રણ વખત ટ્રાફિક પોલીસ દ્વારા પંચનામું કરવામાં આવ્યું છતા કોઇ નિર્ણય લેવાતો નથી. વડોદરાની ટ્રાફિક પોલીસમાં જ્યારે નાગરિકો રજૂઆત માટે જાય તો કોર્પોરેશન આ અંગે નિર્ણય લેશે અને જ્યારે કોર્પોરેશનમાં જાય તો ટ્રાફિક પોલીસ પહેલા અભિપ્રાય આપે બાદમાં નિર્ણય લેવાય છે તેવા જવાબો મળે છે.

મહત્વની બાબત એ છે કે ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર જ્યારે કોઇ મોટો અકસ્માત થાય અને લોકો આંદોલન કરે ત્યારે તંત્ર નિર્ણય લેશે. તંત્ર પણ કોઇ ઘટના બને તેની રાહ જોઇ રહ્યું છે તે અંગે લોકો ફરિયાદ કરી રહ્યા છે.



Tags :