ભગવાન શિવજીની કૃપા મેળવવા માટે મા પાર્વતીએ ગૌરીવ્રત કર્યુ હતું
આજથી બાળકીઓ પાંચ દિવસ મીઠા વગરનું મોળું ખાવાની તપશ્ચર્યા કરશે
વડોદરા : શનિવારથી ગૌરીવ્રતનો પ્રારંભ થઇ રહ્યો છે. મોળાકત અને અલુણા તરીકે પણ આ વ્રત ઓળખાય છે. આ વ્રત કુવારી કન્યાઓ ખાસ કરીને ૬ થી ૧૪ વર્ષની બાળકીઓ પાંચ દિવસ અલુણા એટલે કે મીઠા વગરનું મોળુ ભોજન લઇને ભગવાન શિવજીની કૃપા મેળવે છે. શનિવારથી વ્રતનો પ્રારંભ થતો હોવાથી આજે માતા-પિતાઓ બાળકીઓને મનભાવતુ ભોજન કરાવવા માટે રેસ્ટોંરા અને હોટેલોમા ઉમટી પડયા હતા.
૫૧ મુસ્લિમ દીકરીઓએ ગૌરીવ્રત કરનાર ૨૫૧ હિન્દુ દીકરીઓને મહેંદી મુકી આપી કોમી સૌહાર્દનો સંદેશો આપ્યો, બાળકીઓને ડ્રાયફ્રુટનું વિતરણ કરાયું
પાછલા કેટલાક વર્ષોથી વ્રત કરતી બાળકીઓમાં મહેંદી મુકવાની પણ પરંપરા શરૃ થઇ છે. ત્યારે વડોદરાની સામાજિક કાર્યકર યુવતી નિશિતા ગુલાબ રાજપુતે આજે અનોખા કાર્યક્રમનું આયોજન કર્યુ હતું જેમાં ગૌરીવ્રત કરનાર ૨૫૧ દીકરીઓને મહેંદી મુકવા માટે નિશિતાએ ૫૧ મુસ્લિમ દીકરીઓને બોલાવી હતી. મુસ્લિમ દીકરીઓએ પણ ખુશીખુશીથી હિન્દુ દીકરીઓને મહેંદી મુકી આપીને ગૌરીવ્રતની શુભેચ્છાઓ આપી હતી. આ ઉપરાંત કાલથી વ્રત શરૃ કરનાર આ ૨૫૧ દીકરીઓને ડ્રાયફ્રુટનું વિતરણ કરાયુ હતુ તો મુસ્લિમ દીકરીઓને પણ ભેંટ આપવામા આવી હતી.