FOLLOW US

વેપારીઓની જફામાં વધારો કરતી પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરી દો

સરકારને આવક કરતાં ખર્ચ વધુ થતો હોવાની સંભાવના:જીએસટી આવ્યા પછી પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરવાનું આપેલું વચન પાળો

નાની રકમ ભરવાની આવતી હોવાથી બીજા વેરામાં સમાવી લઈ તેના ઑડિટની જફામાંથી વેપારીઓને મુક્તિ આપવા માગણી

Updated: Aug 5th, 2022

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવાર

વેપાર ઉદ્યોગની પરેશાનીમાં વધારો કરતાં અને આવક કરતાં સરકારને સંભવતઃ ખર્ચ વધુ કરાવતા પ્રોફેશનલ ટેક્સની સિસ્ટમને નાબૂદ કરી દેવાની માગણી કરવામાં આવી રહી છે. ભારત સરકારે પણ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કર્યા પછી પ્રોફેશનલ ટેક્સ જેવા અન્ય ટેક્સ નાબૂદ કરી દેવાની ખાતરી આપી હતી. આ ખાતરીનું આજદિન સુધી પોલન થયું નથી. પ્રોફેશનલ ટેક્સની ગુજરાતની વાર્ષિક આવક રૃા. ૪૦૦થી ૫૦૦ કરોડથી વધુ ન હોવાનું અનુમાન છે. પરંતુ આ પ્રોફેશન ટેક્સ કલેક્ટ કરવા માટે દરેક મહાનગર પાલિકાઓ, જિલ્લા અને તાલુકા સ્તરે કરવામાં આવેલી વ્યવસ્થા પાછળ આવક કરતાં વધારે ખર્ચ થઈ જતો હોવાનું અનુમાન છે.

પગારદાર કર્મચારીઓના પગારમાંથી આવકના સ્લેબ પ્રમાણે મહત્તમ રૃા.૨૦૦ પ્રોફેશનટ ટેક્સ તરીકે કાપીને મહાનગર પાલિકાઓને જમા આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ટેક્સ જમા કરાવ્યા પછી તેના ચલણ રજૂ કરવા અને તેના હિસાબોનું ઓડિટ કરાવવાની જફા વેપાર ઉદ્યોગની હાલાકી વધારી રહી છે. નાનકડા કામ માટે વેપાર ઉદ્યોગોને વધારાની જવાબદારી વેંઢારવી પડી રહી છે. તેમ જ એક વધારાના ડિપાર્ટમેન્ટ સાથે પનારો પાડવો પડી રહ્યો છે. તેમાં અધિકારીઓના આકરાં વલણને કારણે પણ વેપાર ઉદ્યોગ પરેશાન થતાં હોવાની ફરિયાદ છે. તેમાં વેપાર ઉદ્યોગના સમયનો પણ વેડફાટ થાય છે.

આ સંજોગોમાં પ્રોફેશનલ ટેક્સની અવેજમાં કોઈ અન્ય ટેક્સ સાથે તે રકમ મર્જ કરી દઈને વેપાર -ઉદ્યોગ પાસેથી લઈ લેવામાં આવે તો વેપાર ઉદ્યોગોની હાલાકીમાં ઘટાડો થશે. તેમને એક વધુ ડિપાર્ટમેન્ટ સાથે પનારો પાડવાની જફઆમાંથી મુક્તિ પણ મળશે. આ મુદ્દે ગુજરાત ચેમ્બરે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખીને જણાવ્યું છે કે પ્રોફેશનલ ટેક્સની આવક ખરેખર પૂરી થઈ છે કે નહિ તેનો પણ સરકાર ટ્રેક રાખી શકે તેવી સ્થિતિ નથી. દેશના અન્ય રાજ્યોની માફક પ્રોવિડન્ટ ફંડની સાથે જ પ્રોફેશનલ ટેક્સ લેવાની વ્યવસ્થા કરી શકાય છે.

મોટા શહેરમાં પ્રોફેશનલ ટેક્સની કેટલી આવક

પ્રોફેશનલ ટેક્સની આવક ઓછી છે, પરંતુ તેની જફા વધારે છે. પ્રોફેશનલટેક્સની સરકારની ૨૦૧૯-૨૦ના મળી રહેલા આંકડાઓ નીચે આપવામાં આવ્યા છે. આ આંકડાઓ જોતાં આજે ગુજરાત સરકારની પ્રોફેશનલ ટેક્સની આવક રૃા. ૪૦૦ કરોડની આસપાસની જ હોવાનો અંદાજ છે. પરંતુ તેને કારણે વેપાર ઉદ્યોગને મોટી જફઆનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરત         રૂ. ૧૪૮.૭૫ કરોડ

અમદાવાદ   રૂ. ૩૬.૫૬ કરોડ

રાજકોટ   રૂ. ૨૯.૭૧ કરોડ

વડોદરા   રૂ. ૧૯.૨૮ કરોડ

ભાવનગર   રૂ. ૬.૨૨ કરોડ

જામનગર   રૂ. ૨.૨૯ કરોડ

હિમ્મતનગર રૂ. ૧.૩૫ કરોડ

જૂનાગઢ   રૂ. ૧.૦૫ લાખ

જીેએસટીની આકારણીમાં પણ થતો અઢી ટકાના વહીવટ

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની કચેરીમાં એસેસમેન્ટની કામગીરી કરાવવા માટે પણ અઢી ટકાનો વહીવટ કરવાની ફરજ પાડવામાં આવી રહી હોવાનો આક્ષેપ સૌરાષ્ટ્ર અને મોરબીના વેપાર ઉદ્યોગો કરી રહ્યા છે. 

એપીએમસી એક્ટનો સુધારો પાછો ન ખેંચાતા આવકો તૂટી

કૃષિ ઉત્પન્ન બજાર સમિતિના કાયદામાં કેન્દ્ર સરકારે લાવેલા ત્રણ કાયદા પછી ગુજરાતમાં સુધારા કરી દેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદા પાછા ખેંચી લીધા છે. આ કૃષિકાયદા પાછા ખેંચાયા પછી ગુજરાત સરકારે સ્થાનિક કાયદામાં કરેલા ફેરફારો પાછા ખેંચવાની કામગીરી કરી જ નથી. પરિણામે ગુજરાતના ૪૦થી વધુ કૃષિ ઉત્પન બજાર સમિતિઓની આવક સાવ જ તૂટી ગઈ છે. તેઓ કર્મચારીઓના પગાર પણ કરી શકે તેવી સ્થિતિમાં નથી. 

Gujarat
IPL-2023
Magazines