Get The App

ઓઢવમાં મુખ્ય રોડ પર ઝેરી કેમિકલવાળુ પાણી ફરી વળ્યું !

- કેમિકલયુક્ત પાણી અને ઝેરી ગેસ છોડવાની પ્રવૃતિ યથાવત

- વલ્લભનગર સ્કૂલ પાસેના રોડ પર વિવિધ કલરવાળું પાણી છોડી દેવાયું, રહીશોમાં આક્રોશ

Updated: Nov 13th, 2021

GS TEAM

Google News
Google News

અમદાવાદ,તા.13 નવેમ્બર 2021, શનિવારઓઢવમાં મુખ્ય રોડ પર ઝેરી કેમિકલવાળુ પાણી ફરી વળ્યું ! 1 - image

ઓઢવ જીઆઇડીસીમાં શુક્રવારની રાત્રે વલ્લભનગર સ્કૂલ પાસે ફરી પાછું કેમિકલયુક્ત પાણી મુખ્ય રોડ પર છોડી દેવાયું હતું. લાલ-કાળા કલરનું આ કેમિકલ જનઆરોગ્ય માટે અત્યંત જોખમી હોવા છતાંય તેને જાહેર રોડ પર છોડીને કેમિકલ એકમો દ્વારા  ગંભીર બેદરકારી દાખવાતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સમગ્ર મામલે સ્થાનિક રહીશો દ્વારા જીપીસીબીને જાણ કરવામાં આવી છે. રહીશોના જણાવ્યા મુજબ વલ્લભનગર સ્કૂલ પાસેના રોડ પર વારંવાર આ રીતે જાહેરમાં કેમિકલ છોડી દેવાય છે. સ્કૂલમાં આવતા-જતા બાળકોના આરોગ્યનો પ્રશ્ન છે. આદીનાથનગર જવાનો આ મુખ્ય માર્ગ હોવાથી હજારો રહીશો પણ આ રસ્તેથી પસાર થતા હોય છે.

ઓઢવ જીઆઇડીસીમાં કેમિકલ એકમો નિરંકુશ બન્યા છે. ફાયર બ્રિગેડની સામેના રોડ પર અર્બન હેલ્થ સેન્ટર પાસે અગાઉ આ રીતે કેમિકલવાળું પાણી છોડવામાં આવ્યું હતું. આ પાણી ગટરમાં કે પછી ખારીકટ કેનાલમાં ઉતારી દેવાની જોખમી અને ગેરકાયદે પ્રવૃતિ ચાલી રહી છે.

સ્થાનિક રહીશો વધુમાં જણાવી રહ્યા છેકે રાત્રે ઝેરી ગેસ છોડવામાં આવી રહ્યો છે. વાતાવરણ એકદમ ધુંધળું બની જાય છે. આંખ, ગળા અને નાકમાં બળતરા થતી હોય છે. રાત્રે બે વાગ્યાથી લઇને પરોઢના ૬ વાગ્યા સુધી કેટલીક કંપનીઓ દ્વારા ઝેરી ગેસ વાતાવરણમાં છોડી દેવાતો હોવાથી ઓઢવ વોર્ડમાં રહેતા લાખો લોકોના સ્વાસ્થ્યનો પ્રશ્ન ઉદભવ્યો છે.

રાજ્યકક્ષાના પર્યાવરણ મંત્રી આ વિધાનસભા વિસ્તારમાંથી આવતા હોવા છતાંય તેમના આ વિસ્તારમાં જ પર્યાવરણની દુર્દશા છે. ઓઢવમાં રહેતા લોકો વર્ષોથી પ્રદુષણની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. છોટાલાલની ચાલી વિસ્તારમાં તો રાત્રે કાળી કોલસી ઉડીને લોકોના ઘરના આંગણા, ધાબા પર પડે છે. અશક્તો, વૃદ્ધો, અસ્થમાના દર્દીઓ, નાના બાળકોના આરોગ્ય સામે ગંભર જોખમ ઉભું થયું છે. ઓઢવમાં પ્રદુષણ ઓકતા એકમો સામે સખત પગલા ભરવામાં આવે તેવી માંગણી રહીશો કરી રહ્યા છે.

Tags :