વડોદરાના સયાજી બાગમાં આવતા સહેલાણીઓ માટે ઈ-ટુરિસ્ટ વ્હીકલ સુવિધાનો લાભ ટૂંક સમયમાં મળશે
- કોર્પોરેશન દ્વારા આશરે 26 લાખના ખર્ચે પાંચ ઈ-વાહન ખરીદાયા
- એક વાહનની સીટિંગ કેપેસિટી આઠ લોકોની છે
વડોદરા,તા.22 ઓગસ્ટ 2023,મંગળવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના સૌથી મોટા સયાજી બાગમાં આવતા સહેલાણીઓ માટે કોર્પોરેશન દ્વારા હવે બાગમાં ફરવા ઈ-ટુરિસ્ટ વ્હીકલ સુવિધા પૂરી પાડવામાં આવનાર છે, અને ટૂંક સમયમાં આ અંગેની નીતિ નક્કી કરી ઈ-ટુરિસ્ટ વ્હીકલ શરૂ કરવામાં આવશે. હાલ ઈ-ટુરિસ્ટ વ્હીકલ એજન્સી મારફતે ચલાવવામાં આવે છે, પરંતુ હવે કોર્પોરેશન પોતે જ નીતિ નક્કી કરીને તેનું સંચાલન કરશે. કોર્પોરેશનએ આવા પાંચ વાહન ખરીદ્યા છે. જેમાં એક વાહનમાં ડ્રાઇવર સહિત આઠ જણા બેસી શકશે. સયાજી બાગમાં પ્રાણીસંગ્રહાલય પણ છે. પંખીઓ અને પ્રાણીઓને વાહનોનો અવાજ અને ઘોંઘાટ ખલેલ ન પહોંચાડે તેમજ વાહનોના ધુમાડાથી બાગના પર્યાવરણને નુકસાન પણ ન થાય તેને ધ્યાનમાં રાખીને આ ઈ-ટુરિસ્ટ વ્હીકલ ખરીદવામાં આવ્યા છે, અને ટૂંક સમયમાં બાગમાં આવતા સહેલાણીઓને તેનો લાભ ઓછા ખર્ચમાં મળતો થશે તેમ સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષએ કહ્યું છે.
2022-23ના વર્ષના સામાન્ય સભાએ મંજુર કરેલ અંદાજપત્રમાં મેયર સુચવે તે પ્રમાણે ચૂંટણી વોર્ડમાં કરવાના વિકાસના કામોના હેડ પેટે મંજુર થયેલ રકમ પેટે 5-નંગ 8-સીટર ઇ-ટુરીસ્ટ વ્હીકલ ખરીદવા સુચન કરેલ છે. જે અન્વયે ઇ-વ્હીકલની ખરીદી કરવામાં આવેલ છે. આ 5 નંગ ઇ-ટુરીસ્ટ વ્હીકલ ખરીદવાનો કુલ ખર્ચ રૂ.26.25 લાખ થયો છે. આ વાહન લીથીયમ આયન બેટરી ઓપરેટેડ છે. 1 ઇ-ટુરીસ્ટ વ્હીકલની કિંમત રૂ.5,25,200 છે.