અમદાવાદમાં ટામેટાના હોલસેલ ભાવમાં કિલો દીઠ 8 થી 10 રૂપિયા ઘટી ગયા !
- મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી મબલક આવક શરૂ થતા જ
- ગુજરાતમાં ટામેટા પકવતા ખેડૂતોમાં ચિંતા, છૂટક બજારમાં 30 રૂપિયે કિલો મળતા ટામેટા હાલમાં 10 રૂપિયે મળે છે
અમદાવાદ,તા.1 સપ્ટેમ્બર 2018, શનિવાર
અમદાવાદમાં હોલસેલ માર્કેટમાં છેલ્લા દશેક દિવસમાં ટામેટાના કિલોદીઠ ભાવમાં ૮ થી ૧૦ રૂપિયા ઘટી જતા ખેડૂતો અને વેપારીઓએ રોવાનો વારો આવ્યો છે. હાલમાં અમદાવાદમાં હોલસેલમાં ૪ થી ૭ રૂપિયે કિલોના ભાવે ટામેટા મળી રહ્યા છે.
જે દશેક દિવસ પહેલા ૧૪ થી ૧૫ રૂપિયે કિલોના ભાવે મળતા હતા. ટામેટાના ભાવ ગગળી જતા ટામેટા પકવતા ખેડૂતોની માઠી દશા બેઠી છે. દશેક દિવસ પહેલા છૂટક બજારમાં ૨૫ થી ૩૦ રૂપિયે કિલોના ભાવે મળતા ટામેટા હાલમાં ૧૦ થી ૧૨ રૂપિયે કિલોના ભાવે મળતા થતા ગ્રાહકોને સસ્તા ભાવે ટામેટા મળી રહ્યા છે.
અમદાવાદ શહેરમાં હાલમાં મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યમાંથી ટામેટાની મોટાપાયે આવકો ચાલુ થઇ ગઇ છે. ૯૦ ટકા માલ મહારાષ્ટ્રમાંથીના નાસિક, સંગમનેર, સોલાપુર, નારણગાંવ, શાંગલી, પીપળગાંવ સહિતના વિસ્તારોમાંથી આવી રહ્યો છે. જ્યારે કર્ણાટકના બેંગ્લોર, કોલાર, ચિત્રામણી સહિતના વિસ્તારોમાંથી પણ ટામેટાની આવકો શરૂ થઇ ગઇ છે.
આ અંગે વેપારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે મહારાષ્ટ્રમાં ટામેટાનું પુષ્કળ ઉત્પાદન થયું છે. ઓછો વરસાદ પડતા ટામેટાના છોડ પરના ફૂલ ખરી પડયા ન હોવાથી પણ ઉત્પાદન વધુ થવા પામ્યું છે. હાલમાં અમદાવાદમાં રોજની ૫૦ થી ૬૦ ટ્રકો ભરીને માલ આવી રહ્યો છે. જેમાં વળી ડિઝલના ભાવ વધી જતા ભાડામાં પણ દશેક હજાર રૂપિયાનો વધારો થઇ જતા વેપારીઓ માટે પડતા પર પાટુ મારવા જેવો ઘાટ ઘડાયો છે.
બીજી તરફ ટામેટા સ્ટોરેજ કરી શકાતા ન હોવાથી તેને તાત્કાલિક બજારમાં ઠાલવવા જરૂરી હોવાથી ખેડૂતોએ ભારે આર્થિક નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે. નોંધપાત્ર છેકે ગત વર્ષે આ સમયગાળામાં હોલસેલ માર્કેટમાં ટામેટાનો કિલોનો ભાવ ૩૦ થી ૪૦ રૂપિયા બોલાઇ રહ્યો હતો. તે સમયે ખેડૂતોને સારા એવા ભાવ મળતા ખેડૂતોએ આ વર્ષે પણ સારા ભાવ મળશે તેવી આશાએ ટામેટાનું મબલખ વાવેતર કરી નાંખ્યું હોવાથી આ સ્થિતિ સર્જાઇ હોવાનું જાણકારોનું કહેવું છે.
ગુજરાતના ટામેટાની આવક આગામી ઓક્ટોબર માસથી શરૂ થશે. ગુજરાતમાં બારડોલી, ઇડર, કડી, કલોલ અને દહેગામ વિસ્તારમાં માટાપાયે ટામેટાનું વાવેતર થાય છે. ગુજરાતના માલની આવક છેક આગામી વર્ષના એપ્રિલ માસ સુધી ચાલુ રહેશે. હાલમાં ટામેટાના ગગળી ગયેલા ભાવ જોઇને ગુજરાતના ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઇ જવા પામી છે.