બારીસમાસી સિઝન છતાંય ટામેટાના ભાવ કિલોએ 30 રૂપિયા પહોંચ્યા !
- પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના કારણે પરિવહન ખર્ચો વધ્યાની અસર
- પંદર દિવસ પહેલા 10 થી 15 રૂપિયે કિલો મળતા હતા, એક ટનનું ભાડુ 3,800થી વધીને 5,600 થઇ ગયા !
અમદાવાદ,તા.13 એપ્રિલ 2022, બુધવાર
અમદાવાદમાં ટામેટાના ભાવ પણ છુટક બજારમાં કિલોના ૨૫ થી ૩૦ રૂપિયા થઇ ગયા છે. જોકે અન્ય શાકભાજીની તુલનામાં ટોમેટા સસ્તા મળી રહ્યા છે. જોકે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી જતા બે મહિના પહેલા ૧ ટન માલનું ભાડુ જે ૩,૮૦૦ રૂપિયા ચાલતું હતું તે વધીને સીધું ૫,૬૦૦ રૂપિયા થઇ ગયું છે. આમ પરિવહન ખર્ચો વધી જતા શાકભાજી મોંઘા થઇ ગયા છે. જોકે ટામેટામાં હાલમાં ભાવ સ્થિત હોવાનું અને મે-જુનમાં વધુ આવકો થતા ભાવ હજુ ઓછા થવાની ધારણા વેપારીઓ સેવી રહ્યા છે. નોંધપાત્ર છેકે પંદરેક દિવસ પહેલા હોલસેલમાં ૯ થી ૧૦ રૂપિયે કિલો મળતા ટામેટા હાલમાં હોલસેલમાં ૧૦ થી ૧૭ રૂપિયે કિલો મળી રહ્યા છે.
અમદાવાદમાં જમાલપુર માર્કેટમાં હાલમાં રોજ ૧૫ થી ૨૦ હજાર કેરેટ ટામેટાની દૈનિક આવક ચાલી રહી છે. હોલસેલમાં ટામેટા ગુણવત્તાની દ્રષ્ટિને ધ્યાને લઇને ૧૦ થી ૧૭ રૂપિયે કિલોના ભાવે વેચાય છે. જ્યારે છૂટક બજારની વાત કરીએ તો દરેક વિસ્તારમાં માંગ મુજબ તેમજ માલની ગુણવત્તાને ધ્યાન ેલઇને ૨૦ થી ૩૦ રૂપિયે કિલોના ભાવે વેચાઇ રહ્યા છે.
જમાલપુર માર્કેટના ટામેટાના વેપારી આસિફભાઇના જણાવ્યા મુજબ અમદાવાદમાં હાલમાં ધોળકા, રઢુ, તારાપુર, ખેડા, માતર અને તેની આજુબાજુના વિસ્તારોમાંથી ટામેટાની આવક છેલ્લા બે માસથી ચાલી રહી છે. એપ્રિલ માસના અંત સુધી આ વિસ્તારમાંથી આવક ચાલુ રહેશે.
મે માસમાં નાસિક, બેંગલોર, ઉત્તર પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્રમાંથી આવકો શરૂ થશે. જોકે આ વર્ષે વધારે પડતી ગરમી હોવાના કારણે મહારાષ્ટ્રમાં માલનું ઉત્પાદન ઓછું થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જેના કારણે માલની ઘટ ને ધ્યાને લેતા હાલના ભાવ જળવાઇ રહેશે જોકે જુન માસમાં ભાવ ઘટવાની શક્યતા રહેલી છે.
જોકે ટામેટાની સિઝન બારમાસી છે. એટલે ભાવમાં વધારો નહીં જોવા મળતો પરંતુ હાલમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા હોવાથી થોડો ભાવ વધારો નડી રહ્યો છે. દિવાળી બાદ અમદાવાદમાં કડી, ખંડરપુરા, ધરમપુરા, કલ્યાણપુરા, મેડા ,અણદેજ સહિતના પટ્ટામાંથી મોટાપ્રમાણમાં ટામેટા આવતા હોય છે. આ વિસ્તારની આવક છેક ફેબુ્રઆરી માસ સુધી ચાલુ રહેતી હોય છે.
સામાન્ય રીતે દર વર્ષે ખેડૂતોએ ટામેટાના ભાવ ન મળવાના કિસ્સામાં ટામેટા રોડ પર ફેંકીને જતા રહેવું પડે છે. જોેકે આ વર્ષે ખેડૂતોને પણ સારા ભાવ મળી રહ્યા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.