બેન્ક ફ્રોડ રોકવા ટોકનાઈઝેશનની સિસ્ટમ ૧લી ઓક્ટોબરથી અમલમાં
ટોકનાઈઝેશન કરાવ્યા પછી એટીએમમાં દર વખતે ક્રેડિટ કે ડેબિટ કાર્ડ અંદર નાખવો પડશે નહિ
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવાર
ઓનલાઈન બેન્કિંગમાં થતાં ફ્રોડ રોકવા માટે રિઝર્વ બેન્કે ટોકનાઈઝેશનની સિસ્ટમ દાખલ કરવાના લીધેલા નિર્ણયનો પહેલી ઓક્ટોબરથી અમલ થશે. રિઝર્વ બેન્ક છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર ન કરે તો પહેલી ઓક્ટોબરથી તેનો અમલ થઈ જશે, એમ રિઝર્વ બેન્કના જાણકાર સૂત્રોનું કહેવું છે. ત્રીજી ઓક્ટોબરે રિઝર્વ બેન્કે પેમેન્ટ સિસ્ટમ અંગે ચર્ચા કરવા માટે ખાસ બેઠકનું પણ આયોજન કર્યું હોવાથી નવી સિસ્ટમ અંગે તેમાં વિશિષ્ટ સમજૂતી આપવામાં આવે તેવી માન્યતા છે. આ સિસ્ટમની મદદથી ક્રેડિટ અને ડેબિટ કાર્ડ અંગેની સંવેદનશીલ માહિતી પણ ગુપ્ત રહી શકશે. સાયબર એટેક સામે પણ તેનાથી રક્ષણ મળે તેવી સંભાવના છે.
ટોકનાઈઝેશનની સિસ્ટમમાં ક્રેડિટ કાર્ડ કે પછી ડેબિટ કાર્ડની માહિતી વેપારીઓને આપવી પડશે જ નહિ. તેમાં જ્યારે કાર્ડથી પેમેન્ટ થાય ત્યારે એક યુનિક આઈડી નંબરનો ઉપયોગ કરીને ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ બતાવ્યા વિના જ પેમેન્ટ કરી શકાશે. ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડની વિગતને બલે યુનિક ટોકન નંબરની આપ લે થશે. આ નંબર પણ એન્ક્રિપ્ટેડ હોવાથી તેનો દુરુપયોગ કરવામાં ન આવે તેવી સંભાવના સાથે આયોજન કરવામાં આવી રહ્યું છે. તેનાથી સાયબર ફ્રોડ અને ઓનલાઈન ફ્રોડ ઓછા થવાની સંભાવના છે.
તમને સવાલ થશે કે તમારા ક્રેડિટ કે ડેબિટ કાર્ડનું ટોકનાઈઝેશન કેમ કરાવવું. આ પ્રક્રિયા સરળ છે. તમે ઓનલાઈન ખરીદી કરો અને વેપારીની વેબસાઈટના પેમેન્ટ પેજ પર પહોંચો ત્યારે તમારે તમારા કાર્ડની વિગતો આપવાની રહેશે. તેમાં જઈને તમારે સિક્યોર્ડ કાર્ડ ઓપ્શનને પસંદ કરવાનું રહેશે. કાર્ડની વિગતો એન્ટર કર્યા પછી તમને આ ઓપ્શન પસંદ કરવા જણાવવામાં આવશે. તમારા કાર્ડની માહિતીને ટોનકાઈઝ કરવા માટે તમારે ઓટીપી આપવાનો રહેશે. તેમ કરવાથી તમારો કાર્ડ ટોકનાઈઝ થઈ જશે. અત્યારે તમારા ક્રેડિટ કે ડેબિટ કાર્ડને ટોકનાઈઝ કરાવવા માટે કોઈ જ ખર્ચ કરવાનો આવશે નહિ. ભવિષ્યમાં તેમાં બદલાવ આવી શકે છે.
ટોકનાઈઝેશનનો આશરો લેવામાં આવશે તો તમારા ક્રેડિટ કે ડેબિટ કાર્ડની વિગતો કોઈ જાણી શકશે નહિ. આમ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં સલામતીનું એક નવું આવરણ ઊભું કરી શકાશે. ટોકનાઈઝેશન થયા બાદ તમારે બેન્કના એટીએમમાં કોઈપણ વહેવાર કરવાનો હશે તો તે વહેવાર કરવા માટે એટીએમમાં તમારો કાર્ડ અંદર નાખવો પડશે નહિ.
અત્યારે ટોકનાઈઝેશન કરાવવું ફરજિયાત નથી, પરંતુ સમય જતાં તમારા આર્થિક ઓનલાઈન વહેવારોને વધુ સલામત બનાવવા માટે ટોકનાઈઝેશનને ફરજિયાત કરી દેવામાં આવે તેવી સંભાવના નકારી શકાતી નથી. અત્યારે તેમના કાર્ડનું ટોકનાઈઝેશન કરાવવું કે નહિ તે કાર્ડધારક નક્કી કરી શકે છે. તમે કાર્ડને ટોકનાઈઝ ન કરાવવા ઇચ્છતા હોવ અને ટોકનાઈઝ ન કરાવો તો તમે જેટલીવાર એટીએમમાં આર્થિક વહેવાર કરવા જશો તેટલીવાર તમારે તમારો ક્રેડિટ કે ડેબિટ કાર્ડ એટીએમમાં અંદર નાખવો પડશે. ટોકનાઈઝેશન લાભદાયક હોવાથી પહેલી ઓક્ટોબરથી લોકો ટોકનાઈઝેશન તરફ વળી જાય તેવી મજબૂત સંભાવના રહેલી છે.