આજે ગુજરાત સરકાર લૉક ડાઉનનો નિર્ણય જાહેર કરશે
- ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને લોકડાઉનનો એક્શન પ્લાન મોકલ્યો
- રાજ્યમાં રેડ ઝોન, યલો, ગ્રીન ઝોન એમ ત્રણ ઝોન આધારે લૉક ડાઉન ખુલશે, ઉદ્યોગોને આંશિક રાહત મળશે
- આંતર જિલ્લા પ્રવાસ પર પ્રતિબંધ મુકાશે, લૉક ડાઉનના રોડ મેપ મુજબ સરકારે તૈયારીઓ કરી
અમદાવાદ ,તા.13 એપ્રિલ 2020,સોમવાર
ગુજરાતના કોરોનાના કેસોનો આંકડો ૫૦૦ પાર કરી ચૂક્યો છે જ્યારે ૨૦થી વધુ લોકોને કોરોના ભરખી ચૂક્યો છે. કોરોનાની મહામારીએ ગુજરાતમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે અન્ય રાજ્યોની જેમ ગુજરાત સરકારે પણ લોકડાઉન વધારવા મન બનાવ્યું છે. રાજ્ય સરકારે લોકડાઉન વધારવા અંગે કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કર્યો છે એટલું જ નહીં લોકડાઉન લઈને એક એક્શન પ્લાન પણ દિલ્હી કેન્દ્ર સરકાર ને મોકલી આપ્યો છે.આવતીકાલે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોક ડાઉનને લઈને દેશને સંબોધન કરવાના છે ત્યારે ગુજરાત સરકાર પણ આવતીકાલે જ લોકડાઉનને લઈને પોતાનો નિર્ણય જાહેર કરશે.
રાજ્યના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ આ વાતને સમર્થન આપતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કર્યા બાદ રાજ્ય સરકાર આવતીકાલે લોકડાઉનને લઈને નિર્ણય જાહેર કરી શકે છે. સૂત્રોના મતે,ગુજરાતમાં તબક્કાવાર લોકડાઉનમાં રાહત આપવામાં આવશે. કોરોનાના વધતા જતા કેસોને પગલે રાજ્યમાં રેડ, યલો ઝોન ગ્રીન એમ ઝોન આધારે જે તે વિસ્તારમાં લોક ડાઉનમાં છૂટછાટ આપવામાં આવશે. આ ઉપરાંત ઉદ્યોગોને પણ આંશિક રાહત મળી શકે છે સરકારી કચેરીઓને પણ તબક્કાવાર ખોલવા માટે આયોજન કરવામાં આવ્યું છે.
જોકે લોકડાઉન દરમિયાન આંતર જિલ્લા પ્રવાસ પર પ્રતિબંધ મુકવા રાજ્ય સરકારે નક્કી કર્યું છે. કોરોના પ્રસરે નહીં તેની સાવચેતીના ભાગરૂપે કોઈપણ વ્યક્તિ એકથી બીજા જિલ્લામાં જઈ શકશે નહીં. નોંધનીય છે કે અત્યારે પણ તમામ જિલ્લાઓની સરહદ પર ખાસ ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે અને અવરજવર કરતા લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે.
બે દિવસ પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકડાઉન વધારવા અંગે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાત કરી અભિપ્રાય મેળવ્યો હતો. તે વખતે ગુજરાત સરકારે પણ લોક ડાઉન વધારવા તૈયારી દર્શાવી હતી. ઉલ્લેખનીય છે કે હજુ પણ ગુજરાતમાં ૧૩ જિલ્લા એવા છે કે,જ્યાં કોરોના પ્રવેશ કર્યો નથી. અત્યારે ગુજરાતમાં માત્ર અમદાવાદ અને વડોદરા જ એવા શહેરો છે જ્યાં કોરોનાના વધુ કેસો નોંધાયા છે. આ ઉપરાંત ગાંધીનગર, ભાવનગર , રાજકોટ અને સુરતમાં પણ કોરોનાના કેસોનું પ્રમાણ સવિશેષ છે.આ બધી સ્થિતિને જોતા રાજ્ય સરકાર ૩૦મી એપ્રીલ સુધી લોકડાઉન વધારે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.
હવે આવતીકાલે નરેન્દ્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્ય સરકાર લોકડાઉનને લઈને શું નિર્ણય જાહેર કરે છે તેના પર ગુજરાતીઓની નજર મંડાઇ છે.