આજે એકાદશીએ શહેરમાં તુલસી વિવાહ યોજશે, લગ્નગાળો પણ શરૂ
- પૂર્વ અમદાવાદમાં મોટાભાગના મંદિરમાં તુલસી વિવાહની તૈયારીઓ કરાઇ
- ઓઢવ રણછોડરાયજી મંદિર ખાતે તુલસી વિવાહ યોજાશે, રવિવારે લગ્ન પડો વધાવવાની વિધી સંપન્ન
અમદાવાદ,તા.14 નવેમ્બર 2021, રવિવાર
આજે સોમવારે એકાદશી હોવાથી શહેરભરમાં તુલસી વિવાહના કાર્યક્રમો યોજાશે. ઓઢવ ખાતે આવેલા રણછોડરાયજી મંદિરે પણ તુલસી વિવાહ યોજાશે. રવિવારે આ નિમિતે લગ્ન પડો વધાવવાની વિધી યોજાઇ હતી. તુલસી વિવાહનું વિશેષ મહત્વ હોવાથી ધાર્મિક સ્થળો તેમજ ઘર આંગણે તુલસી વિવાહ આજે યોજાશે જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહી. આ શુભ પ્રસંગને માણશે.આ દિવસની સાથે જ લગ્નસરાની સિઝન પણ ખુલી જશે.
ઓઢવ રણછોડરાયજી મંદિર ખાતે તુલસી વિવાહનો પ્રસંગો યોજાનાર છે. કન્યાપક્ષે પ્રજાપતિ પરિવાર અને વર પક્ષે અશોક રેવાભાઇ કાલોર તેમજ સમસ્ત ઓઢવ રબારી વસાહત પરિવાર હાજર રહેશે. આજે રવિવારે શુભ મુહુર્તમાં લગ્ન પડો વધાવવાની વિધી યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.
તુલસી વિવાહના મહત્વ અંગે પુરાણી મહેન્દ્ર મહારાજના જણાવ્યા મુજબ કારતક માસમાં આવતી આ પવિત્ર એકાદશી જેને દેવઉઠી એકાદશી કહે છે. આ દિવસે તુલસી વિવાહ થાય છે. આ પ્રસંગનું મહત્વ અતિ વિશેષ છે. પૌરાણીક કથા અનુસાર જલંધર નામે દૈત્ય હતો. તેની પત્નિ વૃંદા તે મહાન સતી હતી. તેના સતિત્વની પરીક્ષા કરવા ભગવાને તે દૈત્યું રૂપ ધારણ કરી તેના ઘેર આવ્યા. પરંતુ તેમના હાવ-ભાવ પરથી સતી વૃંદા ભગવાનને ઓખળી ગયા અને શ્રાપ આપ્યો કે આપ પથ્થર (શાલીગ્રામ)થાઓ. ત્યારે ભગવાને અસલ રૂપ ધારણ કરીને પ્રસન્ન થઇ સતી વૃંદાને કહ્યું હું શાલીગ્રામ થઇશ અને તું તુલસી રૂપે થઇશ.
તે કથા અનુસાર ભગવાન શાલીગ્રામ થયા અને સતી વૃંદા તુલસી થઇ અને તુલસી વિવાહ થાય છે. ભગવાન વિષ્ણું સાથે તેને પરણાવવામા ંઆવે છે.હવે દેવઉઠી એકાદશી સુધી ભગવાન વિષ્ણું સુતલ નામના ત્રીજા પાતાળમાં બલીરાજાન દ્વારપાળ થયા છે. અષાઢ સુદી એકાદશી( દેવપોઢી) ત્યારે વિષ્ણું પાતાળમાં જાય છે અને કારતક સુધી એકાદશી( દેવઉઠી) જે આવતીકાલ સોમવારનો પવિત્ર દિવસ છે ત્યારે વૈકુંઠમાં પાછા પધારે છે.એને ચાતુર્માસ કહેવાય છે.
આ ચાતુર્માસમાં લગ્ન થતા નથી કારણકે પ્રભુ પાતાળમાં હોય છે. કાલે ભગવાન પાતાળમાંથી બહાર પધારશે પછી તુલસી સાથે વિવાહ કરશે અને પછી આપણા સમાજમાં લગ્નગાળો શરૂ થશે.તુલસી વિવાહ કરવાથી કન્યાદાનનું ફળ પ્રાપ્ત થાય છે.