આજે કોંગ્રેસ વિધાનસભા ઘેરાવો કરશે ગાંધીનગરમાં પોલીસની કિલ્લેબંધી
- બિનસચિવાલય કલાર્કની પરીક્ષા સહિત અન્ય પ્રજાલક્ષી પ્રશ્નોના મુદ્દે કોંગ્રેસ રસ્તે ઉતરી
- 6 એસપી, 25 ડીવાયએસપી સહિત બે હજાર પોલીસ જવાનો ખડકાયા:એસટી બસો પણ ચકાસવામાં આવશે
અમદાવાદ, તા. 8 ડિસેમ્બર, 2019, રવિવાર
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે લીધેલી બિન સચિવાલય કલાર્કની પરીક્ષામાં ્વ્યાપકપણે ગેરરીતીઓ થઇ છે જેના કારણે પરીક્ષાર્તીઓએ આંદોલન કરવા મજબૂર બન્યાં છે. પરીક્ષાર્થીઓને મદદરૂપ થવા કોંગ્રેેસ આંદોલનની કમાન સંભાળી છે ત્યારે આ મુદ્દા ઉપરાંત મોઘવારી સહિતના અન્ય પ્રજાલક્ષી પ્રશ્નોને આગળ ધરી કોંગ્રેસ આવતીકાલ તા.9મી ડિસેમ્બરે પાટગર ગાંધીનગરમાં વિધાનસભા કૂચનું એલાન કર્યુ છે જેના કારણે વિધાનસભા તરફ જતા ંબધાય માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
જિલ્લા પોલીસ એલર્ટ મોડ ઉપર મુકાઈ છે અને કોંગી કાર્યકરો અને આગેવાનોને વિધાનસભા પહોંચતા પહેલા અટકાવવાનો એકશન પ્લાન તૈયાર કરી દીધો છે. જેમાં બે હજારથી વધુ પોલીસ જવાનોને ખડેપગે કરી દેવાયા છે. સમગ્ર ગાંધીનગર રેન્જમાંથી પોલીસ અધિકારી જવાનોને બંદોબસ્ત માટે ગાંધીનગર બોલાવી લેવાયા છે.
બિન સચિવાલય કલાર્કની પરીક્ષામાં ધૂમ ગેરરીતીઓ થઇ છે. કોંગ્રેસે તો સીસીટીવી ફુટેજ સાથે પુરાવા રજૂ કર્યાં હતાં. પરીક્ષાર્થીઓ પણ સરકાર સામે મેદાને પડયાં છે. કોંગ્રેસે પરીક્ષાર્થીઓને ટેકો આપીને પરીક્ષા રદ કરવાની માંગને સમર્થન જારી કર્યુ છે.
હવે કોંગ્રેસે આવતીકાલે સોમવારે વિધાનસભા કૂચનુ એલાન કર્યુ છે. ગાંધીનગરમાં ઘ-પ પાસે સવારે 10 વાગે કોંગ્રેસી કાર્યકરો એકઠાં થશે ત્યાર બાદ તેઓ વિધાનસભા તરફ કૂચ કરશે. પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા ડૉ.મનિષ દોશીએ જણાવ્યું કે,શિક્ષણનુ વ્યાપારીકરણ થયુ છે.
કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતી કથળી ચૂકી છે. સરકારી નોકરીની ભરતીમાં મળતિયાઓને ગોઠવવા રીતસરનુ કૌભાંડ આચરવામાં આવી રહ્યુ છે. શિક્ષિત યુવાનોને અન્યાય કરવામાં આવી રહ્યો છે . આ તમામ પ્રશ્નોને વાચા આપવા કોંગ્રેસે વિધાનસભા કૂચ યોજી વિરોધ પ્રદર્શિત કરશે.
આ તરફ,ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, વિધાનસભા કૂચનુ કોંગ્રેસે એલાન કર્યુ છે ત્યારે સમગ્ર પરિસ્થિતી પર નજર રાખવામાં આવી રહી છે અને પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે.કોંગ્રેસ રાજકીય રોટલો શેકવા પ્રયાસો કરી રહી છે પણ ગુજરાતના સમજુ શિક્ષિત યુવાનો ગુમરાહ થવાના નથી. આમ,સોમવારે કોંગ્રેસી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થવાની શક્યતા છે કેમકે, મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પાટનગર ગાંધીનગરમાં ઉમટશે.
વિધાનસભા પહોંચતા પહેલા કોંગી કાર્યકરોને અટકાવવા પોલીસે પણ એકશન પ્લાન ઘડી કાઢયો છે જેના ભાગરૂપે ગાંધીનગરના પ્રવેશદ્વારોને આજ રાતથી જ સીલ કરી દેવામાં આવશે અને પ્રવેશતા તમામ વાહનોનું ચેકીંગ કરવામાં આવનાર છે.
ગાંધીનગર પોલીસ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાંથી પણ પોલીસ અધિકારી, જવાનોને ગાંધીનગરમાં બંદોબસ્ત માટે બોલાવી લેવામાં આવ્યા છે. જે બંદોબસ્તમાં છ એસપી, રપ ડીવાયએસપી, 40 પોલીસ ઈન્સ્પેકટર, 1રપ પોલીસ સબ ઈન્સ્પેકટર, 1પ00 પોલીસ જવાનો અને એસઆરપીની કંપની ગોઠવી દેવામાં આવી છે.
વિધાનસભાને સજજડ કિલ્લેબંધીમાં કેદ કરી લેવામાં આવશે. સચિવાલયના તમામ મુલાકાતીઓની પુછપરછ કરીને પ્રવેશ આપવામાં આવશે. તો જિલ્લામાં હોટલ ગેસ્ટહાઉસોનું પણ પોલીસ દ્વારા ચેકીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ગાંધીનગરમાં થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. તમામ સર્કલો અને જાહેર સ્થળો ઉપર પોલીસ અધિકારીઓ અને જવાનોને બંદોબસ્તની જવાબદારી સોંપી દેવાઈ છે.
ખાનગી જ નહીં પરંતુ જાહેર પરિવહન વ્યવસ્થા ઉપર પણ પોલીસ ધ્યાન રાખી રહી છે અને એસટી બસ સહિત તમામ વાહનોનું આવતીકાલ સવારથી સઘન ચેકીંગ કરવામાં આવશે ત્યારે પોલીસના આ અભેદ સુરક્ષા કવચને વીંધી કોંગી કાર્યકરો વિધાનસભા ઘેરવામાં સફળ થાય છે કે નહીં તે જોવું રહયું.