આજે બુદ્ધ પૂર્ણિમા : ગુજરાતના 13 સ્થળોને 'બુદ્ધિસ્ટ સર્કિટ' તરીકે વિકસાવવામાં આવશે
- 2563મા બુદ્ધપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે અમદાવાદ સહિત રાજ્યભરમાં વિશેષ આયોજનો
- જુનાગઢના ઉપરકોટ, દેવની મોરી સહિતના સ્થળે પ્રદર્શન, ટૂરિસ્ટ કિઓસ્ક જેવી સુવિધા તૈયાર કરાશે
અમદાવાદ, તા.17 મે, 2019, શુક્રવાર
વૈશાખ માસની પૂર્ણિમા આવતીકાલે છે ત્યારે સમગ્ર વિશ્વને શાંતિ-અહિંસાનો ઉપદેશ આપનારા ભગવાન બુદ્ધની જયંતિ ઉજવવામાં આવશે. ગુજરાતમાં અનેક એવા સ્થળો છે જ્યાં ભગવાન બુદ્ધ વિહાર કર્યો હોય. ભગવાન બુદ્ધ સાથે જોડાયેલા ગુજરાતના ૧૩ જેટલા સ્થળોને બુદ્ધિસ્ટ ટૂરિસ્ટ સર્કિટ તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. આ આંતરરાષ્ટ્રીય બુદ્ધિસ્ટ સર્કિટને વિકસાવવા માટે ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ ફેડરેશન સાથે કરાર પણ કરાયા છે.
ગુજરાત પ્રવાસન્ નિગમ દ્વારા જે સ્થળોને સર્કિટ હેઠળ આવરી લેવાનું આયોજન છે તેમાં જુનાગઢના ઉપરકોટ, બાબા પ્યારેની ગુફાઓ, ખાપરા કોડિયાના મહેલ, અશોકના સ્તંભ માર્ગ, ગીર સોમનાથની સાના ગુફાઓ, પ્રભાસ પાટણ બુદ્ધિસ્ટ ગુફાઓ, ભરૃચનો કડિયા ડુંગર, કચ્છના સિયોતની ગુફાઓ, ભાવનગરની તળાજા બુદ્ધિસ્ટ ગુફાઓ, રાજકોટની ખંભાલિડા ગુફાઓ, વડનગરની બુદ્ધિસ્ટ ગુફાઓ, મહેસાણાના તારંગા હિલ પરની બુદ્ધિસ્ટ ગુફાઓ, મેશ્વો નદીના કિનારે વિકસાવવામાં આવેલી પ્રાચિન દેવની મોરીનો સમાવેશ થાય છે.
આ બુદ્ધિસ્ટ સ્થળો પર અપ્રોચ રોડ, સ્ટ્રીટ લાઇટ, ટુરિસ્ટ કિઓસ્ક, સાઇનેજિસ, પ્રવાસીઓની સુરક્ષા માટે સિક્યુરિટી કેબિન, સીસીટીવી કેમેરા, પ્રવાસીઓને બેસવા માટેના આંકડા, કેફેટેરિયા, સોવેનિયર શોપ, કાર પાર્કિંગની સુવિધા, એક્ઝિબિશન-ઓરિએનશનલ સેન્ટર, રેસ્ટિંગ સેન્ટર જેવી સુવિધાઓ દ્વારા પ્રવાસીઓને આકર્ષવામાં આવશે.
દેવની મોરી ખાત ેભગવાન બુદ્ધ સમયના અવશેષોનું પ્રદર્શન બનાવાશે. જેમાં પાણી માટે કુંડ, બ્રીજ, ભવ્ય સ્તૂપનું પુન: નિર્માણ, ગ્રંથાલય જેવી શૈક્ષણિક સુવિધાઓ, મેશ્વો રીવર ફ્રન્ટ, ઘાટ, બાયો ડાયવર્સિટી સંરક્ષણ, સ્થાનિક સંસ્કૃતિ સાથે તાલેમેલ પણ કરાશે.
ગુજરાત પ્રવાન્ વિભાગે જણાવ્યું હતું કે, 'દેવની મોરીને મહત્વના ગ્લોબલ બુદ્ધિસ્ટ સ્પિરિચ્યુઅલ સ્થળ તરીકે વિકસાવી ૧૩ જેટલા સ્થળોને વર્લ્ડ ક્લાસ પ્રવાસન્ સ્થળ તરીકે વિકાસ કરવાનું આયોજન છે. આ બધા સ્થળોમાં દેવની મોરીએ મેશ્વો નદી ઉપર આવેલી વિશાળ બૌદ્ધ સ્તૂપ, ચૈત્ય, વિહાર ધરાવતું મહત્વનું સ્થળ છે. જેના અંગેનું સંશોધન આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા અને એમએસ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયું હતું. '
બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે અમદાવાદમાં ક્યાં-શેનું આયોજન?
* ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ'ના ઉપક્રમે ડો. આંબેડકર સાંસ્કૃતિક કેન્દ્ર, દાણીલીમડા ચાર રસ્તા, દાણીલીમડા ખાતે સવારે ૧૦ થી ૪ દરમિયાન ઉજવણી.
* જેતવન-બુદ્ધવિહાર , ૧૫ રંગદર્શન સોસાયટી, રાધાસ્વામી આશ્રમ પાસે, રાણીપ ખાતે સવારે ૧૦ થી ૪ સુધી ઉજવણી.
તથાગત્ બુદ્ધ વિહારમાં સવારે ૯ કલાકે બુદ્ધ પૂજા-વંદના-દેશનાનો કાર્યક્રમ.
* ગુજરાત બુદ્ધિસ્ટ અકાદમી દ્વારા છેલ્લા ૮ વર્ષની માફક આ વખતે પણ શાંતિપૂર્ણ ધમ્મ નગર યાત્રાનું આયોજન. સવારે ૮ વાગે બોધિસત્વ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સારંગપુર ખાતેથી ધમ્મ નગરયાત્રા પ્રસ્થાન કરશે. ધમ્મ નગરયાત્રા રાજપુર, ગોમતીપુર, સુખરામ નગર થઇને રખિયાલ સ્વસ્તિક બંગલો સોસાયટીના કોમન પ્લોટમાં સભાના રૃપે સવારે ૧૧ વાગે ફેરવાશે. ૫૦૦ બૌદ્ધ ઉપાસકો-ઉપાસિકોઓ સફેદ વસ્ત્રો ધારણ કરીને ધમ્મ નગર યાત્રામાં જોડાશે.