ડિપ્લોમા ઈજનેરી અને ધો.11 સાયન્સમાં જવા માટે ધો.10માં સ્ટાન્ડર્ડ ગણિત રાખવું પડશે
- બોર્ડ કારોબારીમાં 2020થી અમલ થનારા બે લેવલના ગણિતના નિયમો નક્કી કરાયા
- બે લેવલના પેપર મુદ્દે ભયસ્થાનો પણ નક્કી કર્યા, સરકાર અંતિમ નિર્ણય કરશે બેઝિક ગણિત પાસ કર્યા બાદ સાયન્સ-ડિપ્લોમા માટે પુરક આપવી પડશે : બોર્ડે
અમદાવાદ, તા. 9 ઓક્ટોબર, 2019, બુધવાર
ધો.10માં 2020થી ગણિતના બે પ્રશ્નપત્રો રાખવાના પ્રસ્તાવને બોર્ડે સ્વીકાર્યા બાદ તેના અમલને લઈને બોર્ડની કારોબારી બેઠકમાં વ્યાપક ચર્ચા થઈ હતી અને તેના અમલને લઈને કેટલાક નિયમો નક્કી કરાયા હતા.
જે મુજબ ધો.11 સાયન્સ અને ડિપ્લોમા ઈજનેરીમા જવા માટે ધો.10માં સ્ટાન્ડર્ડ ગણિત પસંદ કરવુ પડશે અને બેઝિક ગણિત પાસ કરનાર વિદ્યાર્થી સાયન્સ કે ડિપ્લોમામા નહી જઈ શકે.જો કે હાલ તો બોર્ડે તમામ નિયમો અને બે લેવલના પ્રશ્નપત્રો મુદ્દે ભયસ્થાનો સરકાર સમક્ષ મુકવાનો નિર્ણય કર્યો છે અને સરકાર બે લેવલના પ્રશ્નપત્ર અંગે અંતિમ નિર્ણય કરશે.
ધો.10માં ગ્રામ્ય વિસ્તારના અને નબળા વિદ્યાર્થીઓ કે જે ઓને ધો.11માં સાયન્સમાં ન જવુ હોય તેવા વિદ્યાર્થીઓ માટે ગણિતનું સરળ પ્રશ્નપત્ર સાથે બે વિકલ્પો આપવાની માંગ ઉઠયા બાદ અને સીબીએસઈ દ્વારા પણ ગત વર્ષથી બે લેવલના પ્રશ્નપત્રોની પદ્ધતિ અમલમા મુકાયા બાદ ગુજરાત શિક્ષણ બોર્ડની સામાન્ય સભાની બેઠકમાં પણ ગુજરાત બોર્ડની સ્કૂલોમાં ધો.10માં બે લેવલના પ્રશ્નપત્રો અંગેનો પ્રસ્તાવ સ્વીકારવામા આવ્યો હતો અને જે અંગે તાજેતરની કારોબારી સમિતિની બેઠકમાં વ્યાપક ચર્ચા કરવામા આવી હતી.
ચર્ચાને અંતે કેટલાક નિયમો નક્કી કરાયા હતા.જે મુજબ ધો.10 પછી ડિપ્લોમા ઈજનેરી કે સર્ટીફિકેટ કોર્સ કે ધો.11 સાયન્સમાં જવા માંગતા વિદ્યાર્થીઓએ ફરજીયાત સ્ટાન્ડર્ડ લેવલના ગણિતનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.જ્યારે બેઝિક લેવલના ગણિત સાથે મુખ્ય પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થી ધો.11 સાયન્સમાં નહી જઈ શકે.ધો.10ના પરીક્ષાના ફોર્મ ભરતી વખતે બે વિકલ્પો આપવાના રહેશે. મુખ્ય પરીક્ષામાં સ્ટાન્ડર્ડ ગણિતમા નાપાસ થનાર વિદ્યાર્થી પુરકમાં બેઝિક ગણીત રાખી શકશે.
બે લેવલના ગણિત સ્કૂલમાં ભણાવવા માટેની શૈક્ષણિક પદ્ધતિમાં કોઈ ફેરફાર કરાશે નહી અને સ્કૂલે વાલીઓને આ બે વિકલ્પો અને બે લેવલના પ્રશ્નપત્રો અંગે સમજાવાનું રહેશે તેમજ વાલીની લેખિત સંમતિ લેવાની રહેશે.જ્યારે ધો.10માં બેઝિક ગણિત પાસ કર્યા બાદ 11 સાયન્સમાં જવા માંગતા વિદ્યાર્થીએ સ્ટાન્ડર્ડ ગણિત સાથે પુરક પાસ કરવી પડશે.
બંને લેવલના પ્રશ્નપત્રોના ગુણભાર,પ્રકાર અલગ અલગ રહેશે. બોર્ડ દ્વારા બે લેવલના ગણિત રાખવા માટેના નિયમો નક્કી કરવા સાથે કેટલાક ભયસ્થાનો પણ નક્કી કરાયા છે.જે મુજબ ગ્રામ્ય વિસ્તારની સ્કૂલો પરિણામ ઊંચુ લાવવા માટે વાલીઓને બેઝિક ગણિત રાખવા જ સમજાવશે,ગ્રામ્ય વિસતારના વિદ્યાર્થીઓ બેઝિક અને સ્ટાન્ડર્ડ લેવલ ગણિત સમજી શકશે નહી,જેનાથી ગ્રામ્ય વિસ્તારની સ્કૂલોમાં ધો.11 વિજ્ઞાાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ ઘટશે,
ઉપરાંત એસસી અને એસટીના ગ્રામ્ય વિસતારના વિદ્યાર્થીઓ મોટે ભાગે બેઝિક ગણિત પસંદ કરશે અને મેડિકલ અને ઈજનેરીમાં એસસી અને એસટી સહિતની અનામત બેઠકો અલગથી ભરાતી હોવાથી અનામત બેઠકો પ્રોફેશનલ કોર્સમાં મોટા પાયે ખાલી રહી શકે છે.આ ઉપરાંત સીબીએસઈની મોટા ભાગની સ્કૂલો જિલ્લા મથકોએ છે જ્યારે બોર્ડની સ્કૂલો ગ્રામ્ય વિસ્તારોમાં છે જેથી ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ મોટા ભાગે બેઝિક ગણિત પસંદ કરશે.
આમ બોર્ડની બેઠકમાં બે લેવલના ગણિત પ્રશ્નપત્ર વિશે ફાયદા અને નુકશાન બાબતે ચર્ચા કરવામા આવી હતી અને હવે તમામ બાબતો સરકાર સમક્ષ મુકવાનુ તથા તમામ બાબતોને સમજ્યા બાદ તથા સીબીએસઈના પરિણામનો અભ્યાસ બાદ ફાઈનલ નિર્ણય લેવાનું નક્કી કરાયુ છે.રાજ્ય સરકાર દ્વારા હવે ધો.10માં ગણિતના બે લેવલના પ્રશ્નપત્રો અંગે અને તેના નિયમો તથા જોગવાઈઓ અંગે ફાઈનલ નિર્ણય જાહેર કરાશે.