For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પતિ અને સાસુના ત્રાસથી કંટાળીને પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કર્યો

Updated: Sep 19th, 2022

Article Content Image

ગાંધીનગર શહેર નજીક આવેલા બોરીજમાં

મૃતક પરિણીતાના ભાઇની ફરિયાદના આધારે સેક્ટર-૨૧ પોલીસે આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરી તપાસ આદરી


ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા બોરીજમાં રહેતી ૩૨ વર્ષિય પરિણીતાએ ચાર દિવસ અગાઉ પોતાના ઘરમાં જ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. જેના પગલે પરિણીતાના ભાઇએ સેક્ટર-૨૧ પોલીસ મથકમાં પતિ અને સાસુના ત્રાસથી બહેને આપઘાત કર્યા હોવાની ફરિયાદ આપતા પોલીસે દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

આ અંગે મળતી વિગતો પ્રમાણે, દહેગામ તાલુકાના વડવાસા ગામમાં રહેતી યુવતી કિરણબેન ઇન્દ્રકુમાર બારોટના લગ્ન દસ વર્ષ અગાઉ બોરીજ ગામ ખાતે રહેતા મેહુલ જયંતિભાઇ બારોટ સાથે સમાજની રીત રીવાજ પ્રમાણે થયા હતા. શરૃઆતમાં લગ્નજીવન સુખેથી ચાલ્યું હતું અને પરિણીતાએ એક પુત્રને જન્મ પણ આપ્યો હતો. જો કે, ત્યાર બાદ પતિ અને સાસુ દ્વારા અવાર-નવાર તેણીને કામ બાબતે ત્રાસ આપવામાં આવતો હતો જેથી પરિણીતાએ રીસાઇને પિયરમાં જતી રહી હતી. જો કે, પરિવારજનોએ સમાધાન કરાવીને ફરીથી તેણીને સાસરીમાં મોકલી હતી.

દરમ્યાનમાં ગત ૧૫મી સપ્ટેમ્બરના રોજ કિરણબેને ઝેરી દવા પી લેતા સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. જેથી આ મામલે તેમના ભાઇ હરગોવિંદભાઇએ કિરણબેનના પતિ મેહુલભાઇ બારોટ અને સાસુ મિનાબેન બારોટ સામે આપઘાતના દુષ્પ્રેરણની ફરિયાદ સેક્ટર-૨૧ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ આદરી છે.  

Gujarat