Get The App

સરકાર ઘાંઘી : અમદાવાદમાં સજ્જડ લૉકડાઉન, ખરીદી માટે અંધાધૂંધી

- કરિયાણા અને શાકભાજી-ફળોની દુકાનો બહાર લોકોનું કીડીયારું ઉભરાયું

Updated: May 6th, 2020

GS TEAM


Google News
Google News

- કૈસી હૈ સરકાર યહાં યે તો બસ તાનાશાહી હૈ, લૂંટ મચી હૈ જગહ-જગહ જનતા મેં સિર્ફ તબાહી હૈ : યે અર્થશાસ્ત્ર હૈ કૈસા ઇનકા યે કૈસી મહંગાઇ હૈ, લગતા હૈ આજ ગરીબો કો ફિર જીંદા ખાને આઇ હૈ

- શાકભાજીના ફેરિયાઓ સુપર સ્પ્રેડર હોવા છતાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને સલામતી ભૂલી લોકોએ ખરીદી કરી

સરકાર ઘાંઘી : અમદાવાદમાં સજ્જડ લૉકડાઉન, ખરીદી માટે અંધાધૂંધી 1 - image


સરકાર ઘાંઘી : અમદાવાદમાં સજ્જડ લૉકડાઉન, ખરીદી માટે અંધાધૂંધી 2 - image

અમદાવાદ, તા.06 મે 2020, બુધવાર

અમદાવાદમાં કોરોના વાઇરસની મહામારીએ ભયાવહ પરિસ્થિતિ સર્જી છે. તંત્ર દ્વારા આજે એવી જાહેરાત કરવામાં આવી છે કે ૧૫મી મેની મધરાત સુધી અમદાવાદને સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવશે અને માત્ર દૂધ અને દવાની દુકાનો જ ચાલુ રહેશે. અણઘડ અને ઉતાવળિયા પગલે લેવાયેલી આ જાહેરાતથી લોકોમાં ઉહાપોહ જાગ્યો હતો અને જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા લોકોએ દુકાનો બહાર લાંબી કતારો લગાવી હતી.

દરેક દુકાન સામે આશરે પચાસથી સો લોકોનો ટોળા સોશિયલ ડિસ્ટન્સિંગની પરવાહ કર્યા વિના જામ્યા હતા. શાકભાજી, ફળો, અનાજ-કરિયાણા, પેટ્રોલ પંપ, લોટની દુકાન, બેકરી વગેરે જે વસ્તુઓ કાલથી બંધ થવાની છે ત્યાં ખરીદી કરવા માટે લોકોના ધાડા રસ્તાઓ પર ઉતર્યા હતા અને ભીડનો ઉહાપોહ અને આક્રોશ જોતા પોલીસ પાસે સાઇરન વગાડી લોકોને ચેતવણી આપવા સિવાય કોઇ વિકલ્પ નહોતો, કારણ કે દરેક વિસ્તાર અને દરેક ગલીમાં સમાન પરિસ્થિતિ જ હતી.

અમદાવાદમાં શાકભાજીના ફેરિયાઓ કોરોનાના સુપર સ્પ્રેડર સાબિત થયા હોવા છતાં લોકો શાકભાજીની લારીઓ અને દુકાનો આસપાસ ટોળે વળ્યા હતા અને સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત બાદ એવી પરિસ્થિતિ સર્જાઇ હતી કે  જે-તે લારી કે દુકાનમાં રહેલું તમામ શાકભાજી વેચાઇ ગયું હતું. તેવી જ રીતે કરિયાણાની દુકાનોમાં પણ લોકોએ લાઇનો લગાવી હતી. નેશનલ લોકડાઉનની જેમ અમદાવાદમાં પણ સંપૂર્ણ લોકડાઉનની પરિસ્થિતિ યથાવત્ રહેશો તો તેવી ભીતિએ લોકોએ કઠોળની જંગી માત્રામાં ખરીદી કરી છે.

કઠોળ ઉપરાંત તેલના ડબ્બા, લોટ, મસાલા, બિસ્કીટ, ફૂડ પેકેટ, ફ્રોઝન ફૂડ, રેડી ટુ કૂક ફૂડ, જ્યુસ  અને ઠંડા પીણાની ખરીદી માટે લોકોના ધાડા રસ્તાઓ પર ઉતર્યા હતા. આગામી કેટલાં દિવસો સુધી શાકભાજી ન મળે તેવી આશંકાના કારણે લોકોએ શાક બનાવાવ માટે ચણાં, મગ, રાજમા, મઠ, વગેરે કઠોળની મોટાપાયે ખરીદી કરી છે. આ ઉપરાંત તેલમાં પણ બે-પાંચ લિટરની બોટલની જગ્યાએ તેલના ડબ્બાની ખરીદી કરી લોકોએ ઘરમાં સ્ટોક કર્યો છે.

સરકારના નિર્ણયથી ત્રાસી ચૂકેલી જનતાએ પેટ્રોલ પંપ બહાર પણ લાઇનો લગાવી હતી અને વાહનોમં ફૂલ ટેન્ક પેટ્રોલ-ડીઝન પૂરાવ્યા હતા. બીજી તરફ તૈયાર લોટની ચક્કીએ તૈયાર લોટ તેમજ લોટ દળાવવા માટે પણ લોકોએ પડાપડી કરી હતી. કેટલાંક લોકો તો લોટ દળાવવા માટે મોટાં ડબ્બા અને પોટલાંઓ લઇ ચક્કીએ આવી ગયા હતા.  સાંજે સાત વાગ્યા સુધીમાં  મોટાભાગની દુકાનોમાં ઘઉં, બાજરી, મકાઇનો લોટ તેમજ બેસન પૂરો થઇ ગયો હતો અને હાલની પરિસ્થિતિ જોતા લોકોને લોટ દળવાની ના કહેવમાં આવી હતી.

શહેરના પોશ ગણાતા વિસ્તાર સેટેલાઇટમાં એટલાં બધા લોકો કાર લઇ ખરીદી કરવા નીકળી પડયા હતાં કે પ્રહલાદનગર રોડ અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક જામ સર્જાયો હતો. તો બીજી તરફ અસારવા સિવિલ આસપાસનો વિસ્તારમાં કોરોનાના કોસો મોટાં પ્રમાણમાં હોવા છતાં અહીં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલી ખરીદી કરવા રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. પોશ, મધ્યમ કે સ્લમ વિસ્તારમાં રહેતા લોકો ખાવાપીવાની વસ્તુઓનો સંગ્રહ કરવાના એકમાત્ર ધ્યેયથી રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા

દેશમાં લોકડાઉન લાગુ કરાયાને આશરે ૪૫ દિવસ થઇ ચૂક્યા છે અને અમદાવાદ અત્યારે અસ્તિત્વનો જંગ લડી રહ્યું છે. તેથી લોકો અત્યારે એવી પણ ટીકા કરી રહ્યા છે કે જો અમદાવાદમાં સંપૂર્ણ લોકાડાઉન જ અંતિમ વિકલ્પ હતો તો પછી અત્યાર સુધી અહીં શું થઇ રહ્યું હતું. આ વિકલ્પ પહેલેથી જ અપનાવી લેવામાં આવ્યો હોત તો અત્યારે સર્જાણી છે તેવી હાલાકી ન સર્જાઇ હોત.

સંપૂર્ણ લૉકડાઉનનો નિર્ણય કેમ લેવાયો ?

અમદાવાદમાં શુક્રવારથી સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવાયો છે.તેનુ કારણ એવુ છેકે,શહેરમાં શાકભાજી,ફ્રુટ અને કરિયાણાની દુકાનના દુકાનદારોથી કોરોનાનો ચેપ ફેલાઇ રહ્યો છે.આ ઉપરાંત સ્વિગી,ઝોમેટો સહિતની હોમ સર્વિસ આપતા ડિલીવરી બોય પણ કોરોનાના વાહક બની રહ્યાં હતાં જેના કારણે રોજરોજ કેસોની સંખ્યા વધી રહી હતી.

આ કારણોસર અમદાવાદને સંપૂર્ણ લોકડાઉન કરીને શાકભાજી,ફ્રુટ,દુધ વેચનારાં,કરિયાણાની દુકાનદારો,મોલમાં કામ કરનારાં,હોમ ડિલિવરી કરનારાંની ઓળખ કરીને સ્ક્રીનીંગ કરવામાં આવશે.પ્રત્યેક ઝોનમાં બે હજારથી વધુ આવા વ્યવસાયકારો છે જેને સુપર સ્પ્રેડર નામ અપાયુ છે.

દરેક ઝોનમાં રોજ ૫૦૦થી વધુ સુપર સ્પ્રેડરનુ મેડિકલ ચેકિંગ કરાશે.શંકાસ્પદ જણાશે તો ટેસ્ટ પણ કરાશે. ઉલ્લેખનીય છેકે,હાટકેશ્વર,ખોખરામાં ૨૨ શાકભાજીવાળાને કોરોના થયો હતો. આ ઉપરાંત સિંધુભવન રોડ પર આવેલાં બજરંગ ફ્રુટ સેન્ટર પર કામ કરનારાંઓને કોરોના થયો હતો.આ બધા કારણોસર અમદાવાદને અચાનક સંપૂર્ણ લોકડાઉન કરાયુ છે તેમ મ્યુનિ.અધિકારીઓનુ કહેવું છે. 

એ.ટી.એમ.ની બહાર પણ લાંબી લાઇનો

કન્ટેઇનમેન્ટ ઝોન અને ક્લસ્ટર કન્ટેઇનમેન્ટ ઝોનમાં જ બેન્કો અને એ.ટી.એમ. સેવાઓ પણ બંધ રહેવાની પરંતુ સમયસર સરકાર દ્વારા કોઇ સત્તાવાર અને વિસ્તૃત માહિતી ન અપાતા લોકોએ પૈસા ઉપાડવા માટે એ.ટી.એમ. બહાર લાંબી લાઇનો લગાવી હતી. જેના કારણે કેટલાંક વિસ્તારોના એ.ટી.એમ.માં પૈસા ખાલી થયા હોવાની ફરિયાદો પણ ઉઠી છે.

તંત્રના અણઘડ નિર્ણયથી પરિસ્થિતિ વધુ ગંભીર બની

સરકાર દ્વારા અણઘડ અને ઉતાવળિયા પગલે આ નિર્ણય લેવાતા ગભરાયેલા લોકોએ શાકભાજી-કરિયાણાની લ્હાયમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો છેદ ઉડાડયો હતો. મહામારીની પરિસ્થિતિમં હિજરત કરી અન્ય રાજ્યોમાં જઇ રહેલા શ્રમિકોની ટીકા કરતા શહેરીજનો જ તમામ નિયમો ભૂલી ખરીદી કરવા ટોળે વળ્યા હતા. 

નેશનલ લૉકડાઉનની જેમ સંપૂર્ણ લૉકડાઉનની પણ નવી-નવી આવૃત્તિઓ આવશે ?

નેશનલ લોકડાઉનને બીજીવાર લંબાવવામાં આવ્યું છે એટલે કે અત્યારે નેશનલ લોકડાઉનની ત્રીજી આવૃત્તિ ચાલી રહી છે. 

છેલ્લાં ૪૫ દિવસની પરિસ્થિતિથી કંટાળી ચૂકેલા લોકો અત્યારે એ જ આક્રોશ અને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે અત્યારે તો એવું કહેવામાં આવ્યું છે કે અમદાવાદમાં ૧૫મી મે સુધી જ સંપૂર્ણ લોકડાઉન રહેશે, પરંતુ હવે સરકારના નિર્ણયો પણ વિશ્વાસ આવી રહ્યો નથી. તેથી આ જ આક્રોશ અને ચિંતામાં લોકો બને એટલી વધારે કઠોળ અને જીવન જરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે.

પગારની રાહ જોતા મધ્યમવર્ગીય નોકરિયાતો મુશ્કેલીમાં મૂકાયા

શહેરમાં અચાનક જ લોકડાઉનની જાહેરાત થતાં મોટાભાગના મધ્યમવર્ગીય નોકરિયાતો મુશ્કેલીમાં મૂકાયા છે. મોટાભાગની કંપનીઓમાં સાત તારીખ કે તેની આસપાસના દિવસોમાં પગાર જમા થતો હોય છે. તેથી આ દિવસો મહિનાના અંતના અને થોડી આર્થિક ખેંચતાણના દિવસો હોવાથી આગામી પંદર દિવસનું અનાજ-કરિયાણું ખરીદવામાં ઘણાં લોકોને મુશ્કેલી પડી હતી.

આજથી અમદાવાદને તાળાબંધી : દૂધ-દવા સિવાય બધી દુકાનો બંધ

- કોરોનાને કાબૂમાં લેવા 15મી મે સુધી સંપૂર્ણ લૉકડાઉન : થ્રી-સ્ટાર હોટલમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરાશે : રેડ ઝોનમાં બધીય બેન્કો-એટીએમ પણ બંધ રહેશે

- પ્રત્યેક વોર્ડમાં 13મી મે સુધીમાં રોજ 500 શાકભાજી, ફ્રુટવાળાનું  સ્ક્રીનિંગ કરવા આદેશ કરાયો

સમગ્ર ગુજરાતમાં અમદાવાદમાં કોરોનાની સ્થિતી વધુને વધુ બેકાબૂ બની છે જેના કારણે રાજ્ય સરકારે હવે ટોચના આઇએએસ ડો.રાજીવ ગુપ્તા સહિત મુકેશકુમારને મેદાને ઉતાર્યાં છે.કોરોનાના કેસો જ નહીં,મૃત્યુદર પણ ચોંકાવનારી હદે વધી રહ્યો છે તે જોતાં હવે બુધવારની રાતથી જ અમદાવાદ શહેરને સંપૂર્ણ લોકડાઉન કરવા નિર્ણય કરાયો છે.એક સપ્તાહ સુધી અમદાવાદ શહેરમાં ચકલુ ય ફરકી ન શકે તેવી રીતે લોકડાઉનનો કડક અમલ કરાશે.એટલું નહીં,દૂધ-દવા સિવાય  શાકભાજી,ફ્રુટની લારી,કરિયાણા સહિતની બંધી જ દુકાનો બંધ રહેશે.૧૫મી મે સુધી અમદાવાદમાં સંપૂર્ણ લોકડાઉનનો અમલ રહેશે.

ગુજરાતમાં જ નહીં,સમગ્ર દેશમાં અમદાવાદમાં હોટસ્પોટ શહેરમાં મોખરે રહ્યું છે.કોરોનાની સ્થિતી વણસી છે ત્યારે અમદાવાદ શહેરની કમાન સંભાળનારાં વન પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો.રાજીવ ગુપ્તાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં જે રીતે કેસો-મૃત્યુદર વધી રહ્યો છે તે જોતાં તમામ પાસાઓની ચર્ચાના અંતે બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતોકે, અમદાવાદ શહેરમાં ૧૫મી મે સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે.

એવુ નક્કી કરાયું હતુકેે,શાકભાજી,ફ્રુટની લારીઓ જ નહીં, કરિયાણા સિવાયની બધી જ દુકાનો બંધ રહેશે.માત્ર દૂધ-દવાની દુકાનો જ ખુલ્લી રહેશે.વધતાં કેસોને પગલે હવે લોકડાઉનનો કડક અમલ જ એક માત્ર ઉપાય રહ્યો છે. હવે અમદાવાદ શહેરના બધાય વોર્ડમાં સ્થિતી પર નજર રાખીને સ્ટ્રેટેજી ઘડાશે અને ટેસ્ટ કરાશે.એટલું જ નહીં, લોકડાઉનનુ કડક પાલન કરાવવા આયોજન કરાશે.આ ઉપરાંત શહેરમાં થ્રી સ્ટાર હોટલોમાં ય કોવિડ કેર સેન્ટર શરુ કરવા નક્કી કરાયુ છે.પ્રત્યેજ ઝોનમાં ૫૦ રુમની થ્રી સ્ટાર હોટલમાં ૫૦૦ બેડની વ્યવસ્થા કરાશે. સાથે સાથે સુપર સ્પ્રેડર ગણાતાં દુધ,શાકભાજી નહીં,ગ્રોસરી ઉપરાંત સ્વિગી,ઝોમેટો પર પણ પ્રતિબંધ મૂકાયો છે.

જે રીતે અમદાવાદ શહેરમાં શાકભાજી,કરિયાણા અને દૂધ પાર્લર પરથી કોરોનાનો ચેપ લાગી રહયો છે તે જોતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રત્યેક વોર્ડમાં ૧૩મી મે સુધીમાં રોજ ૫૦૦થી વધુ શાકભાજી,ફ્રુટ અને કરિયાણાવાળાનુ સ્ક્રીનીંગ કરાશે.આ બધાય વ્યવસાયકારોને હેલ્થકાર્ડ ઇસ્યુ કરવામાં આવશે. લોકડાઉન પૂર્ણ થયા બાદ આ કાર્ડ હશે તે જ વેપારધંધો કરી શકશે. અમદાવાદમાં અત્યારે શાહપુર, દાણિલીમડા, કાલુપુર, દરિયાપુર, મણિનગર સહિતના કુલ દસેક વોર્ડને રેડ ઝોનમાં મૂકાયાં છે ત્યારે આ બધાય રેડ ઝોનમાં એક સપ્તાહ સુધી એટીએમ જ નહીં, બેન્કો પણ બંધ રહેશે.અત્યારે મોટાભાગના દર્દીઓમાં લક્ષણ ન હોય તેવા દર્દીઓની સંખ્યા સવિશેષ રહી છે.

આ કારણોસર આવા લક્ષણ ધરાવતાં દર્દીઓને હોસ્પિટલ કે સમરસ હોસ્ટેલમાં નહી બલ્કે,માત્ર હોમ આઇસોલેટ જ રાખવામાં આવશે.માત્ર ઘરમાં ટોયલેટ અને અલાયદા રુમની સુવિધા હોવી જોઇએ.આવા દર્દીઓની રોજેરોજ હેલ્થ વર્કર ચકાસણી પણ કરશે.

કોરોનાના કાબૂમાં લેવા માટે અમદાવાદ શહેરમાં બે લાખ કોવિડ કેર કીટની પણ વહેચણી કરવામાં આવશે.આ કીટમાં વોશેબલ માસ્ક,સાબુ ઉપરાંત આયુર્વદ-હોમિયોપેથની દવા હશે. લોકોની આરોગ્યપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે આયુર્વેદ-હોમિયોપેથ દવાની ઘેર ઘેર વહેચણી કરવા આયોજન કરાયુ છે.આ ઉપરાંત આ કામગીરી માટે શહેરની વિવિધ સ્વૈચ્છિક અને સામાજીક સંસ્થાઓનો સહયોગ લેવામાં આવશે. આ સંસ્થાઓ દ્વારા જનજાગૃતિ કેળવાય તે માટે આયોજન કરાયુ છે. 

Tags :