વડોદરા,તા.22 માર્ચ 2024,શુક્રવાર
વડોદરા સહિત જુદા જુદા શહેરોમાં વિઝા કન્સલ્ટન્સી શરૂ કરી અનેક લોકોને ચૂનો ચોપડનાર ઠગને ચાર વર્ષ બાદ પોલીસે ઝડપી પાડ્યો છે.
સયાજીગંજમાં પેરેડાઇઝ કોમ્પ્લેક્સમાં પ્રથમ કન્સલ્ટન્સીના નામે ઓફિસ શરૂ કરી ચાર વર્ષ પહેલા રૂ.20 લાખની છેતરપિંડી કરવાના બનાવવામાં પોલીસે કન્સલ્ટન્ટ રક્ષિત ગૌતમભાઈ પટેલ(રાજલક્ષ્મી સોસાયટી,ન્યુ સમા, વેમાલી રોડ) ને ઝડપી પાડ્યો હતો.
રક્ષિત પટેલ સામે સમા પોલીસ સ્ટેશનમાં પણ છેતરપિંડીનો ગુનો નોંધાયો હોવાથી પોલીસ તેને શોધી રહી હતી. છાણી પોલીસને ગઈકાલે રક્ષિત વિશે માહિતી મળતા વોચ રાખીને તેને ઝડપી પાડ્યો હતો. રક્ષિતને સમા પોલીસને સોંપવાની તજવીજ કરવામાં આવી છે.
નોંધનીય છે કે, ઠગ રક્ષિત પટેલ સામે અગાઉ સયાજીગંજ પોલીસ સ્ટેશન, જેપી રોડ પોલીસ સ્ટેશન, પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન તેમજ આણંદ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા હતા.


