Get The App

થલતેજ અંડરપાસમાં કાર વીજપોલ અને ડીવાઇડર સાથે અથડાતા ત્રણના મોત

એસ જી હાઇવે પર અકસ્માતનો સીલસીલો યથાવત

નવા વાડજ વિસ્તારમાં રહેતા મિત્રો રાતના કર્ણાવતી ક્લબ પાસે નાસ્તો કરીને ઘરે પરત ફરતા સમયે અકસ્માત થયોઃ અન્ય ત્રણ વ્યક્તિની ગંભીર હાલત

Updated: Sep 5th, 2023

GS TEAM


Google News
Google News
થલતેજ અંડરપાસમાં કાર વીજપોલ અને ડીવાઇડર સાથે અથડાતા ત્રણના મોત 1 - image

અમદાવાદ, મંગળવાર

શહેરના  નવા વાડજ વિસ્તારમાં રહેતા છ મિત્રો સોમવારે રાતના સમયે કર્ણાવતી ક્લબ પાસે આવેલા ફુડ પાર્કમાં નાસ્તો  કર્યા બાદ કારમાં પરત જઇ રહ્યા હતા ત્યારે  થલતેજ અંડરપાસમાં કારને પુરઝડપે હંકારતા  કાર ડીવાઇડર કુદીને વીજપોલ સાથે અથડાઇ હતી. જેમાં ત્રણ યુવકોના  મોત નીપજ્યા હતા.જ્યારે અન્ય ત્રણ વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી.  ેએસ જી હાઇવે પર પોલીસની સતત કાર્યવાહી બાદ પણ ઓવરસ્પીડમાં વાહનોને ચલાવવામાં આવી રહ્યા છે. જેના કારણે અકસ્માતો સતત બનતા રહે છે. આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે નવા વાડજ ચંદ્રભાગા હાઉસીંગ બોર્ડમાં રહેતા રાહુલ પ્રજાપતિ ગાંધીનગર પીડીપીયુ રોડ પર ફાસ્ટ ફુડનો બિઝનેસ કરે છે. સોમવારે રાતના તે ઘરે પરત આવ્યો ત્યારે તેમના મિત્ર નરેશ પ્રજાપતિએ ફોન કરીને અખબારનગર સર્કલ બોલાવ્યો હતો. જ્યાંથીરાતના  એક વાગે તેમના અન્ય મિત્રો પ્રવિણ પ્રજાપતિ, નિલેશ પંચાલ અને મિતેષ પ્રજાપતિ અને કૌશલ પ્રજાપતિ કારમાં એસ જી હાઇવે પર કર્ણાવતી ક્લબ સામે આવેલા ફુડ પાર્કમાં નાસ્તો કરવા ગયા હતા અને  ત્યાંથી  ઇસ્કોન બ્રીજ થઇને પરત જઇ રહ્યા હતા ત્યારે  થલતેજ અંડરપાસમાં કાર પુરઝડપે હતી અને  સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પહેલા ડીવાઇડર સાથે અથડાઇને ઉછળીને વીજળીના થાંભલા સાથે અથડાઇ હતી. જેમાં નરેશ પ્રજાપતિ (રહે.શ્રીનાથ એપાર્ટમેન્ટ, વ્યાસવાડીની સામે, નવા વાડજ)નું સ્થળ પર મોત નીપજ્યું હતું.જ્યારે  મિતેશ પ્રજાપતિ (શ્રીનાથ એપાર્ટમેન્ટ, નવા વાડજ) અને  કૌશલ પ્રજાપતિ ( રહે. આકાશદીપ એપાર્ટમેન્ટઅખબારનગર, સર્કલ, નવા વાડજ)ના પણ  અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ કાર્યવાહી કરી છે.  અકસ્માતનો આ બનાવ એટલો ગંભીર હતો કે વીજળીના થાંભલા સાથે અથડાયા બાદ કારની ચેસિસ વળી ગઇ હતી.

Tags :