સિંગાપોર ગયેલા યુવકે વિઝા કન્સલટન્ટને કહ્યું,મને પાછો બોલાવી લો અને રૃપિયા પાછા આપો નહિંતર જીવવા નહિં દઉ
વડોદરા,તા.10 જાન્યુઆરી,2020,શુક્રવાર
સિંગાપોરમાં ફાવતું નહીં હોવાથી પાછા આવી ગયેલા લીમખેડાના યુવકે વિઝા કન્સલટન્ટ પાસે ખર્ચની રકમ પાછી માંગી ઓફિસમાં તોડફોડ કરવાની ધમકી આપતાં તેની સામે ગુનો નોંધાયો છે.
વાઘોડિયારોડના રામેશ્વર પાર્કમાં રહેતા અને સયાજીગંજ પ્રોફિટ સેન્ટરમાં સીડી ગ્લોબલ નામની ઓફિસ ધરાવતા વિઝા કન્સલટન્ટે પોલીસને કહ્યું છે કે,ચારેક મહિના પહેલાં લીમખેડાના ભોપત પરમાર (ભરવાડ)નો સંપર્ક થયો હતો અને તેણે કોઇ પણ રીતે વિદેશ જવું છે તેવી વાત કરતાં તેને સમજાવ્યો હતો અને સિંગાપોરના વિઝા મળતાં મોકલી આપ્યો હતો.
બે-ત્રણ દિવસ પછી ભોપતે ફોન કરી મને અહીં ફાવતું નથી પાછો બોલાવી લો..તેમ કહેતાં મારા પતિએ ઇનકાર કરી કહ્યું હતું કે અમારું કામ મોકલવાનું છે.પાછા લાવવાનું નથી.
ત્યારબાદ થોડા દિવસમાં જ પરત આવી ગયેલા ભોપતે ફોન કરી ધમકીઓ આપવા માંડી હતી.તેણે રૃા.૪.૫૦ લાખનો ખર્ચ માંગી જીવવા નહીં દઉં તેવી ધમકી આપી હતી.ગાળો ભાંડતા ભોપતે માણસો લઇ ઓફિસમાં તોડફોડ કરવાની તેમજ પત્ની-બાળકને ઓફિસે મોકલી તાયફો કરવાની પણ ચીમકી આપી હતી.આ અંગે સયાજીગંજ પોલીસે ભોપત થોભણભાઇ પરમાર રહે.ખરોલ ગામ, લુણાવાડા, જિ.મહિસાગર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.