માસ્ક ન પહેરનારને પહેલી ઓગસ્ટથી રૂા.500નો દંડ કરવામાં આવશે
- જાહેરમાં થૂંકનારને પણ રૂા. 500નો દંડ થશે
- અમૂલના પાર્લર પરથી માત્ર રૂા.10માં પાંચ માસ્ક મળે તેવી સુવિધા ઊભી કરવામાં આવી
(પ્રતિનિધિ તરફથી) ગાંધીનગર, તા. 28 જુલાઇ, 2020, મંગળવાર
ગુજરાતના કોઈપણ શહેર કે વિસ્તારમાં પહેલી ઓગસ્ટથી માસ્ક પહેર્યા વિના ફરનારા નાગરિકને રૂા. 500નો દંડ કરવાનો નિર્ણય આજે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
આ જ રીતે જાહેરમાં થૂંકનારને પણ રૂા. 500નો દંડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ લોકોને સસ્તા માસ્ક મળી રહે અને તેમને માસ્ક પહેરવો ખર્ચાળ ન લાગે તે માટે સમગ્ર ગુજરાતમાં અમૂલના પાર્લર પરથી બે રૂપિયાનો એક અને દસ રૂપિયાના પાંચ માસ્ક આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સરકારના પ્રસ્તુત નિર્ણયની ટ્વિટ કરીને જાહેરાત કરી છે. પહેલી ઓગસ્ટ, શનિવારથી આ નિર્ણયને અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યારે માસ્ક પહેર્યા વિના ફરનારાઓને રૂા.200નો દંડ કરવામાં આવે છે.
મુખ્યમંત્રીએ નાગરિકો, પ્રજાજનોને સરળતાથી માસ્ક ઉપલબ્ધ થઇ શકે તે હેતુસર એવો પણ નિર્ણય કર્યો છે કે રાજ્યભરના અમૂલ પાર્લર પરથી માત્ર બે રૂપિયાની કિંમતે સાદા માસ્ક નાગરિકોને મળી શકશે. આ માસ્ક રૂ. 10 ની કિંમતે પાંચ માસ્કના પેકિંગમાં જાહેર જનતાને અમૂલ પાર્લર પરથી મળી રહે તેવા દિશાનિર્દેશો પણ આપ્યા છે.
જોકે આજે અમ્યુકોના અધિકારીઓએ ખોખરા વિસ્તારની એક કંપનીની ઑફિસમાં જઈને રૂા. 50,000નો દંડ કર્યો હોવાની ઘટનાને પરિણામે હોબાળો મચી ગયો છે. તેમ જ નવરંગપુરામાં પણ કોઈક કંપનીને રૂા.25000નો દંડ કર્યો હોવાનું બહાર આવી રહ્યું છે.
સામાન્ય રીતે દરેક ઑફિસમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનો અને માસ્ક પહેરવાના નિયમનો બહુધા પાલન કરવામાં આવે છે. ભૂતકાળમાં ઉસ્માનપુરાની એક ઑફિસમાં અમ્યુકોના અધિકારીઓ સિક્યોરિટીને ચાતરી જઈને ઘૂસી ગયા હતા.
તેમની ઑફિસમાં કર્મચારીઓએ માસ્ક પહેર્યા છે કે નહિ તેની ચકાસણી કરવા લાગી ગયા હતા. પરંતુ તેમને કશું જ વાંધાજનક મળ્યું નહોતું. પરંતુ સિક્યોરિટી અધિકારીઓને ગણકાર્યા વિના અધિકારીઓ અંદર ધસી ગયા હતા તેની સામે કંપનીના પ્રમોટરે વાંધો પણ લીધો હતો.