Get The App

આ વર્ષે વર્ચ્યુઅલ સાલ-મુબારક હેપ્પી અવર્સમાં નેટવર્ક હેન્ગ થશે

- મોબાઈલ વાતચીત કે વીડિયો કોલથી હસી-ખુશીની પળ જીવંત થશે

- કોરોનાના ડરથી ખૂબ નજીકના સગાંના જ ઘરે જઈ પરંપરા નિભાવાશે

Updated: Nov 12th, 2020

GS TEAM

Google News
Google News
આ વર્ષે વર્ચ્યુઅલ સાલ-મુબારક હેપ્પી અવર્સમાં નેટવર્ક હેન્ગ થશે 1 - image


બેસતા વર્ષ, ભાઈબીજે રેસ્ટોરન્ટની ઘરાકીમાં ઘેરી અસર પડવા ભીતિ

અમદાવાદ, તા. 12 નવેમ્બર, 2020, ગુરૂવાર

ટેલીફોનનો જમાનો હતો ત્યારે કાઠિયાવાડી ભાષામાં કહેવાતું હતું કે- અમારે તો દોરડે વાતું થાય છે. હવે, દોરડાં વગરના મોબાઈલ ફોન એટલે કે વર્ચ્યુઅલ વર્લ્ડનો જમાનો છે. મોબાઈલ ફોન, લેપટોપ પર સીધી જ કનેક્ટિવિટીથી વિડિયો કોલ કરીને કે વાતચિત કરીને એકબીજાને શુભકામના અપાશે. આ વર્ષે દિવાળી અને બેસતા વર્ષે શુભકામના મહદ્દઅંશે વર્ચ્યુઅલ બની રહેવાની છે.

કોરોનાના કારણે ખૂબ નજીકના જ સગા-સંબંધીના ઘરે જઈને રૂબરૂ સાલમુબારક કરવાની પરંપરા નિભાવવામાં આવશે. કોરોનાના ડરથી વર્ચ્યુઅલ સાલ મુબારકનો ટ્રેન્ડ વ્યાપક બનવાથી હેપ્પી અવર્સમાં નેટવર્ક હેન્ગ થવાની સંભાવના છે. તો, દિવાળી, બેસતા વર્ષ અને ભાઈબીજે રેસ્ટોરન્ટ અને હોટલો પર તડાકો બોલતો હોય છે તેની ઘરાકીમાં અસર પડવાની સંભાવના પણ છે.

કોરોનાના કારણે આ વર્ષે દિપાવલી પર્વમાળાની ઉજવણીના ઉત્સાહ સાથે આંતરિક ડર લોકોને પરેશાન કરી રહ્યો છે. દિવાળી પછી કોરોનાનો રોગચાળો ઘરે બનશે તેવી ચિંતા વચ્ચે પણ બજારો અને રસ્તા પર ભીડ જોવા મળી રહી છે.

માસ્ક પહેરવા અને સોશિયલ ડીસ્ટન્સ જાળવવાની સ્વયંશિસ્ત સ્વાભાવિક રીતે જ જ્યાં ભારે ભીડ થાય ત્યાં જોવા મળતી નથી. આ કારણે જ લોકોમાં એક ડર છે કે, દિવાળી પછી કોરોનાના કેસમાં ઊછાળો આવી શકે છે. 

આ ભીતિ વચ્ચે લોકોમાં નવા વર્ષના સાલ મુબારક કરવાનો ટ્રેન્ડ ઘટશે તેમ જણાઈ રહ્યું છે. આ વર્ષે વરચ્યુઅલ સાલ-મુબારક થશે. લોકો મોબાઈલ ફોન પર વાતચિત કરીને કે વિડિયો કોલ કરીને એક બીજાને નવા વર્ષની મુબારકબાદી આપશે.

લોકો મોબાઈલ ફોન થકી જ હસી-ખુશીથી વાતચિત કરી નવા વર્ષના આગમનની ઉજવણીની પળને જીવંત બનાવશે. કોરોનાના ડરના કારણે ખૂબ જ નજીકના સગાંના જ ઘરે જઈ પરંપરા નિભાવવામાં આવશે. જવું જ પડે તેમ હોય તેમના ઘરે જવા સિવાય મોટા ભાગના લોકો ટેલીફોનિક સાલ-મુબારક કરે તેવી સંભાવના વિશેષ છે.

આ કારણે અમદાવાદમાં હેપ્પી અવર્સ એટલે કે બેસતા વર્ષના સવારે 9 વાગ્યાથી બપોરે બે વાગ્યા દરમિયાન મોબાઈલ ફોનના નેટવર્ક હેન્ગ થાય તેવી સંભાવના પણ જોવાઈ રહી છે. એ જ રીતે સાંજે પાંચ વાગ્યાથી રાતે 11 વાગ્યા સુધીના હેપ્પી અવર્સમાં નેટવર્ક હેન્ગ થઈ જશે.

દિવાળીના તહેવારો ખરેખર તો પરિવાર મિલન અને મિત્રો સાથે સપરિવાર મુલાકાતનો પર્યાય છે. દિવાળી, બેસતું વર્ષ અને ખાસ કરીને ભાઈબીજે સામુહિક ભોજનના આયોજન થાય છે. પરિવારો રેસ્ટોરન્ટ અને હોટલોમાં જમવા માટે જાય છે. 

આ વર્ષે કોરોનાના કારણે પરિવારના મિલન સાથે જ ઘરમાં જ ભોજન કાર્યક્રમો યોજાશે. આ કારણે રેસ્ટોરન્ટ, હોટલોની ઘરાકીમાં ઘેરી અસર પડવાની સંભાવના છે. કોરોના વચ્ચે આ વર્ષની દિપાવલી ફેમીલી બોન્ડીંગમાં નોંધપાત્ર પૂરાવાર થશે.

ફેમિલી-ફ્રેન્ડસના ગુ્રપમાં કોરોના સામે સ્વયંજાગૃતતા, મેસેજ

'માફ કરજો, આ વર્ષે ઘરે આવી-જઈ સાલ-મુબારક નહીં કરીએ'

વ્હાલા પરિવારજન/મિત્ર

''વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમા ંરાખીને અને એક જાગૃત નાગરિક તરીકે આ વર્ષે કોઈના ઘરે આવવું અથવા જવું હિતાવહ નથી. અમારો પરિવાર આ નવા વર્ષે કોઈના ઘરે જઈશું નહીં. આપને પણ અમારા ઘરે નહીં પધારવા નમ્ર વિનંતી.

સ્પષ્ટ ભાષામાં લખવા બદલ દિલગીર છીએ પરંતુ આપણા શહેરમાં પરિસ્થિતિ નાજુક છે ત્યારે આ ખૂબ જરૂરી છે. આશા છે, તમે આનો હકારાત્મક અભિગમ જોઈને તેને માન આપશો. ઈશ્વરની કૃપાથી આ સમય ઝડપથી પસાર થાય અને આપણે એક નાનકડું પણ વ્હાલું પરિવાર ભોજન યોજીને ફરી હળી-મળી શકીએ.''

આ પ્રકારનો મેસેજ અમુક પરિવાર અને મિત્રના ગૃપમાં ફરતો થયો છે. બજારમાં અને જાહેર રસ્તા પર જે પ્રકારની ભીડ જામે છે તે જોતાં દિવાળી પર્વમાળા પછી કોરોના વિસ્ફોટ નિશ્ચિત બનશે તેવો ભય લોકોમાં છે. આવા તબક્કે અનેક લોકોએ સ્વયંજાગૃતતા દાખવીને આવા મેસેજીસ પોતાના અંગત લોકોને પહોંચતાં કર્યાં છે.

Tags :