For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચાલુ વર્ષે અમદાવાદમાં કુલ 806 મહિલાઓ ટેલિફોન રોમિયોની પજવણીનો શિકાર બની !

- સ્માર્ટ ફોનના જમાનામાં મહિલાઓને સતાવતી વધુ એક ચિંતા

- અમદાવાદમાંં છેલ્લા પાંચ વર્ષમાં 2,615 મહિલાઓએ 'મહિલા હેલ્પલાઇન 181'ની મદદ લેવી પડી

Updated: Nov 28th, 2018

અમદાવાદ,તા.28  નવેમ્બર 2018,બુધવાર

સ્માર્ટ ફોનના જમાનામાં તેના વપરાશની સાથે અનેક ફાયદાઓ, સુવિધાઓની સાથે ઘણી બધી ઉપાધીઓ પણ આવી પડી છે. ટેલિફોન રોમિયો દ્વારા મહિલાઓની પજવણી કરવાના કિસ્સાઓ વધતા જઇ રહ્યા છે. ચાલુ વર્ષે અમદાવાદમાં કુલ ૮૦૬ મહિલાઓએ ટેલિફોનીક પજવણીના કિસ્સામાં 'મહિલા હેલ્પલાઇન ૧૮૧ 'ની મદદ લેવી પડી હતી. જ્યારે રાજ્યની વાત કરીએ તો કુલ ૩,૩૯૯ મહિલાઓ ટેલિફોન રોમિયોના અસહ્ય ત્રાસથી કંટાળીને મદદ માટે હાથ લંબાવ્યો પડયો હતો.

અમદાવાદમાં ટેલિફોન દ્વારા મહિલાઓની હેરાનગતિ, છેડતીના કિસ્સાઓ સૌથી વધુ બહાર આવી રહ્યા છે. ગત વર્ષે આવા કુલ ૭૬૦ કિસ્સાઓ બન્યા હતા. છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો ૨,૬૧૫ મહિલાઓ ટેલિફોન રોમિયોની પજવણીનો શિકાર બની હતી.

આ અંગે 'મહિલા હેલ્પાલઇન ૧૮૧ 'ના અધિકારીઓના જણાવ્યા મુજબ મહિલાઓની ટેલિફોનીક પજવણીના કિસ્સાઓ વધી રહ્યા છે. જ્યારે કોઇ આરો ન હોય ત્યારે નાછૂટકે મહિલાઓ તેની ગરીમાના જતન માટે છેલ્લી આશાના કિરણ રૃપે મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરતી હોય છે.

આવા કિસ્સામાં મહિલાની ઓળખ છતી ન થાય , તેના પરિવાર કે સમાજમાં આ અંગેની જાણ ન થાય તેની પણ પુરી તકેદારી રખાતી હોય છે. મહિલાઓની ટેલિફોનીક પજવણીના કિસ્સાઓ હેન્ડલ કરવા માટે ' સ્પેશિયલ પોલીસ સ્ટાફ સાથેને ' ડેસ્ક બનાવાયો છે. જ્યાંથી તાલીમ પામેલા પોલીસ અધિકારીઓ રોમિયોને ફોન કરીને ચેતવણી આપતા હોય છે.

વુમન હેલ્પલાઇનમાંથી ફોન ગયા બાદ ૯૬ ટકા કિસ્સામાં રોમિયો તેમની રોમિયોગીરી છોડીને મહિલાઓની પજવણી બંધ કરી દેતા હોય છે. ચાર ટકા રોમિયો છેલ્લી ચેતવણી બાદ પણ ન માને તો સ્થાનિક પોલીસની મદદથી તે રોમિયોને તેના ઘરેથી ઉપાડી લેવાય છે. અને પછી પોલીસ કાર્યવાહી કરીને કાયદાકીય રીતે તેની સામે પગલા લેવાય છે.

કેટલાક કિસ્સામાં રોમિયોગીરીથી ત્રસ્ત મહિલાઓ માનિસક તાણમાં રહે છે. ઘરની બહાર નીકળતી નથી કે સ્માર્ટ ફોન વાપરવાનું પણ બંધ કરી દે છે. આવા કિસ્સામાં પારિવારીક કલેહ, દામ્પત્ય જીવનમાં ભંગાણ, વહેમ અને ચારિત્ર્યને લાંછન લાગવા સુધીના પરિણામો આવતા હોય છે.

મહિલાઓએ ડર્યા વગર આવા કિસ્સામાં વુમન હેલ્પલાઇનનો સંપર્ક સાધવાની પણ અપીલ કરાઇ છે. પીડિત મહિલા સિવાય તેના ઘરના સભ્યોને પણ જાણ ન થાય તે રીતે કાર્યવાહી કરીને રોમિયોને સીધાદોર કરી દેવાની ખાતરી અપાઇ છે.

વડોદરા, સુરત, રાજકોટમાં પણ મહિલાઓ રોમિયોથી ભારે પરેશાન

ચાલુ વર્ષે નવેમ્બર માસ સુધીમાં રાજ્યમાં ૩,૩૯૯ મહિલાઓ ટેલિફોન રોમિયોના ત્રાસનો શિકાર બની ચૂકી છે. અમદાવાદમાં ૮૦૬, વડોદરામાં ૩૬૭, સુરતમાં ૩૦૫, રાજકોટમાં ૨૩૪, મહેસાણામાં ૧૧૫, કચ્છમાં ૧૦૦, જુનાગઢમાં ૧૧૫ અને ભાવનગરમાં ૧૩૬ મહિલાઓ ભોગ બની ચુકી છે.

જેઓએ નાછૂટકે વુમન હેલ્પલાઇન ૧૮૧ ની મદદ લેવી પડી હતી. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૨ હજારથી વધુ મહિલાઓએ આ હેરાનગતિ સામે અવાજ ઉઠાવ્યો છે.

ટેલિફોન દ્વારા મહિલાઓની પજવણીનો વાસ્તવિક આંકડો અનેક ગણો હોવાની શક્યતા છે. મહિલાઓ ડર, શરમ, બદનામીને લઇને આ પ્રકારની હેરાનગતિ મુંગા મોઢે સહન કરતી હોય છે. આવી મહિલાઓએ હિંમત દાખવીને રોમિયોને પાઠ ભણાવવો જોઇએ.

સ્માર્ટ ફોન વાપરતી મહિલાઓએ રાખવા જેવી ખાસ તકેદારી


 

 વોટ્સઅપ સહિતના સોશિયલ મીડિયામાં પોતાના અંગત ફોટાઓ શક્ય હોય ત્યાં સુધી ન મૂકવા

 

 અજાણી વ્યક્તિના અણછાજતા કોલ, મેસેજ વારંવાર આવે તેવી સ્થિતિમાં મોબાઇલમાં આપેલા બ્લેકલિસ્ટ ઓપશનની મદદથી તે નંબરો બ્લેકલિસ્ટમાં મૂકી દેવા

 

 ફોન પર કોઇપણ પ્રકારની પજવણીના કિસ્સામાં હિંમત દાખવીને સ્વજનોની કે મહિલા હેલ્પલાઇનની મદદ લેવી

 

 કોલ રેકોડિંગના ઓપ્શનનો ઉપયોગ કરીને વાતો રેકોર્ડ કરીને પુરાવારૃપે સ્વજનો કે પોલીસને આપવી

 

 વોટ્સએપમાં અશ્લિલ મેસેજ કે વીડિયો આવે તો તેવા ગુ્રપમાંથી નીકળી જવું

 

Gujarat