આ વખતે પણ કાળીચૌદશે ડભોડા હનુમાન મંદિર બંધ
કોરોના ફેલાય નહીં તે માટે
બીજીથી પાંચમી સુધી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ મંગળવારે મધરાત્રીની આરતી ઓનલાઇન જોઇ શકાશે
ગાંધીનગર:
ડભોડામાં આવેલું હનુમાન મંદિર શ્રધ્ધાનું કેન્દ્ર છે અહીં મંગળવાર તથા શનિવારે
ભક્તોની ભારે ભીડ હોય છે ત્યારે કાળી ચૌદશે હનુમાનજી પર સેંકડો લીટર તેલનો અભિષેક
થતો હોય છે આ દિવસ દરમિયાન મેળો પણ અહીં ભરાય છે આ વખતે પણ ગત વર્ષની જેમ કોવિડની
સ્થિતિને ધ્યાનમાં રાખીને મંદિર બંધ રાખવાનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો
છે.
કાળી ચૌદશે અમરદેવ એવા હનુમાનજી મહારાજની આરાધના કરવામાં આવતી હોય છે ખાસ કરીને કાળી ચૌદશે રાત્રીના સમયે ભક્તો યથાશક્તિ હનુમાનજીની ઉપાસના કરતા હોય છે ત્યારે ગાંધીનગર નજીક આવેલા સ્વયંભૂ ડભોડા હનુમાનજી મંદિર ખાતે કાળીચૌદશે તેલ ચઢાવવાનો મહિમા છે. આ દિવસો દરમિયાન મંદિરે મેળો ભારાતો હોય છે અને હનુમાનજી પર હજ્જારો લીટર તેલનો અભિષેક કરાતો હોય છે.છેલ્લા કેટલાક વર્ષોથી તો કેક કટીંગ પણ કરવામાં આવતી હતી ત્યારે છેલ્લા બે વર્ષથી આ પરંપરાને કોરોનાની બ્રેક વાગી છે. જો કે, મંદિર તંત્ર દ્વારા પરંપરા જાળવી રાખવા માટે હનુમાનજી પર તેલ ચઢાવવાની પરંપરા ચાલુ રાખવામાં આવી છે પરંતુ કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવે છે. આ વખતે પણ હનુમાનજી મંદિર ટ્રસ્ટ ડભોડા દ્વારા કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારની ગાઇડલાઇન પ્રમાણે તા.બીજીને મંગળવારની સવારથી મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.