લગ્ન વિધિ દરમિયાન માસ્ક તથા સોશ્યલ ડીસ્ટસીંગનું પાલન કરીને આ યુગલે ઉત્તમ ઉદાહરણ પુરુ પાડયું
- કોરોનાની મહામારી વચ્ચે ચાલી રહેલાં
- લોકડાઉનમાં નિતી- નિયમોનું પાલન કરી રાંદેસણમાં નવયુગલ લગ્નગ્રંથીથી જોડાયું
ગાંધીનગર,28 મે 2020 ગુરૂવાર
આમ તો દર વર્ષે ઉનાળાની મોસમમાં લગ્નની સીઝન પુરજોશમાં ચાલતી હોય છે ત્યારે આ વર્ષે કોરોના મહામારીમાં અપાયેલા લોકડાઉનમાં સામુહિક અને સામાજીક કાર્યક્રમોના આયોજન ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે તાજેતરમાં સરકારે ગાઇડલાઇન જાહેર કરી હતી. જેમાં લગ્ન સમારંભ ૫૦ વ્યક્તિઓની હાજરીમાં કરી શકાશે તેવી મંજુરી આપવામાં આવી હતી તે અંતર્ગત શહેર નજીક આવેલા રાંદેસણ ગામમાં નવયુગલે સાદગીથી પ્રભુતામાં પગલા પાડયા છે. ગાઇડલાઇનનું પાલન કરીને માસ્ક તેમજ સોશ્યલ ડીસ્ટસીંગ તેમજ સેનેટાઇઝનો ઉપયોગ કરીને હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે લગ્ન કર્યા હતાં.
આ વર્ષે લગ્નની મોસમને બ્રેક વાગી ગઇ હોય તેમ કોરોનાની મહામારીના પગલે અપાયેલાં લોકડાઉનમાં આયોજન થઇ શક્યાં નથી. તો લોકડાઉન - ૪ અગાઉ બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇનમાં લગ્ન સમારંભમાં ૫૦ વ્યક્તિઓ ઉપસ્થિત રહેવાની મંજુરી આપવામાં આવી હતી. જેના પગલે ઘણાં લગ્નવાચ્છુક યુવક-યુવતિના પરિવારોએ લગ્ન સમારંભનું આયોજન કર્યું હતું. ત્યારે ગાંધીનગર તાલુકાના રતનપુરના દેવરાજસિંહ ઇન્દ્રવદનસિંહ વાઘેલા તથા રાંદેસણના કાજલબા દિલીપસિંહ બિહોલાના લગ્નની તૈયારીઓ છેલ્લા એક વર્ષથી ચાલતી હતી પરંતુ લોકડાઉન આવી જતાં વહિવટી તંત્ર દ્વારા જે ગાઇડલાઇન આપવામાં આવી હતી તે પ્રકારે લગ્ન કરવાનું આયોજન બંને પરિવારો હાથ ધરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત રાંદેસણ ગામમાં આવેલા ખોડીયાર માતાજીના મંદિરે લગ્ન સમારંભનું આયોજન કરાયું હતું. સરકારના આદેશ અનુસાર માસ્ક અને સોશ્યલ ડીસ્ટસીંગનું પાલન તેમજ સેનેટાઇઝરનો ઉપયોગ કરીને પ૦ વ્યક્તિઓની ઉપસ્થિતિમાં હિન્દી શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્ન વિધી સંપન્ન કરવામાં આવી હતી.
બંને પરિવારના નજીકના સંબંધિઓ તેમજ બ્રાહ્મણ તથા ફોટોગ્રાફરની ઉપસ્થિતિમાં સાદગીથી લગ્નની વિધિ કરવામાં આવી હતી. ત્યારે ખોટા ખર્ચા કર્યા વગર આ પ્રકારે સરકારની ગાઇડલાઇનનું પાલન કરીને આ યુગલે જનજાગૃતિ લાવવા માટેના પ્રયાસો પણ કર્યા છે. આમ જિલ્લામાં કોરોના અંગે વહિવટી તંત્ર દ્વારા પણ અનેક જનજાગૃતિ માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે ત્યારે આ પ્રકારે આયોજીત થનારા સમારંભો પણ જનજાગૃતિ માટે શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડી શકે તેમ છે.