Gujarat

સ્મશાનમાં ગયા બાદ પણ શાંતિ નથી,અમદાવાદના સ્મશાનમાં કામ કરતી બે સંસ્થાઓને બ્લેકલિસ્ટ કરવા દરખાસ્ત

By GS Team
26 Feb 20222 mins read
This article was originally published on 26 Feb 2022
સ્મશાનમાં ગયા બાદ પણ શાંતિ નથી,અમદાવાદના સ્મશાનમાં કામ કરતી બે સંસ્થાઓને બ્લેકલિસ્ટ કરવા દરખાસ્ત

  અમદાવાદ,શનિવાર,26 ફેબ્રુ,2022

એમ કહેવામાં આવે છે કે,માનવી અંતિમ શ્વાસ લે પછી સ્મશાનમાં ગયા બાદ શાંતિ મળતી હોય છે.પરંતુ અમદાવાદના સ્મશાનમાં ગયા બાદ પણ શાંતિ નથી.આ બાબતનો અનુભવ થયા બાદ હવે મ્યુનિસિપલ વહીવટી તંત્ર દ્વારા શહેરના વિવિધ સ્મશાનમાં સ્મશાન અંગેની કામગીરી કરતી બે સંસ્થાઓને બ્લેક લિસ્ટ કરવા સોમવારે મળનારી હેલ્થ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીની બેઠકમાદરખાસ્ત મંજુરી માટે મુકવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ જન્મ-મરણ વિભાગ તરફથી શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા સ્મશાનગૃહો ખાતે મૃતદેહની અંતિમ વિધિ માટે સુકા જલાઉ લાકડા પુરા પાડવાની તથા મૃતદેહોના દફન વિધિ માટે ખાડા ખોદી આપવાની કામગીરી માટે સમભાવ સેવા સંઘ અને જયશ્રીકૃષ્ણ સેવા સંઘ નામની અમદાવાદની બે સંસ્થાઓને કામગીરી સોંપવામાં આવી હતી.આ સંસ્થાઓ ટેન્ડરની શરતો વિરૃધ્ધ તથા અમદાવાદ મ્યુનિ.અને જાહેર જનતા હીતવિરૃધ્ધની કામગીરી કરતી હોવાનું જણાઈ આવેલ છે.આ સંસ્થાઓ વિરૃધ્ધ અનેક નાની-મોટી ફરિયાદો તંત્રને મળતા તંત્ર તરફથી નોટિસ પણ આપવામાં આવી હતી.

નોટિસ બાદ આ સંસ્થાઓ તરફથી કરવામાં આવેલા ખુલાસા પણ નોટિસ અને ફરિયાદના સંલગ્નમાં યોગ્ય જણાયા નથી.આ પ્રકારની કામગીરીથી મ્યુનિ.ના સ્મશાન વિભાગની છબી જાહેર જનતામાં ખરાબ થઈ હોવાનું મ્યુનિ.તંત્રનું માનવુ છે.ઉપરાંત સદર સંસ્થાના સંચાલક મ્યુનિ.તંત્રની કામગીરીમાં વિક્ષેપ કરતા હોવાનો પણ દરખાસ્તમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આ બાબતની ગંભીરતાથી નોંધ લઈ સમભાવ સેવા સંઘ,અમદાવાદ અને જયશ્રીકૃષ્ણ સેવાસંઘ સામે નિયમ અનુસાર આગળ કાયદેસરની કાર્યવાહીકરી ચાલુ કોન્ટ્રાકટ રદ કરી બ્લેકલિસ્ટ કરવા સ્ટેન્ડીંગ કમિટીની મંજુરી મેળવી આપવા સોમવારે મળનારી હેલ્થ અને સોલિડ વેસ્ટ કમિટીની બેઠકમાં દરખાસ્ત રજુ કરવામાં આવી છે.