Get The App

રાજ્યમાં એચ.આઇ.ની દવા નહી મળતા ૭૨ હજાર ઉપરાંત દર્દીઓ ભગવાન ભરોસે

મુખ્ય દવા ડોલ્યુટી ગ્રાવીર નહી મળતા દર્દીઓ અન્ય બીમારીનો ભોગ બની શકે છે : બહાર પણ દવાઓ મળતી નથી

Updated: Apr 22nd, 2022

GS TEAM

Google News
Google News
રાજ્યમાં એચ.આઇ.ની દવા નહી મળતા ૭૨ હજાર ઉપરાંત દર્દીઓ ભગવાન ભરોસે 1 - image

 વડોદરા,સમગ્ર રાજ્યમાં એચ.આઇ.વી.ના દર્દીઓ ભગવાન ભરોસે છે.છેલ્લા ઘણા સમયથી  એચ.આઇ.વી.ની મુખ્ય દવા ડોલ્યુટી ગ્રાવરની શોર્ટેજ ચાલે છે.અને ત્રણ મહિનાથી આ દવાઓનો સ્ટોક જ નથી.સરકારી  હોસ્પિટલમાંથી આ દવાઓ મળતી નથી.અને સાથે-સાથે બહાર ખાનગી મેડિકલ સ્ટોરમાં  પણ આ દવાઓનો સ્ટોક ઉપ્લબ્ધ નથી.જેના કારણે રાજ્યના ૭૨ હજાર અને વડોદરાના સાડા પાંચ હજાર ઉપરાંત  દર્દીઓની હાલત કફોડી થઇ ગઇ છે.

શહેરમાં એચ.આઇ.વી.ના દર્દીઓ માટે કામ કરતી સંસ્થા એસોસિએશન ઓફ ધ પર્સન્સ લિવિંગ વીથ એચ.આઇ.વી. એન્ડ એઇડ્સ દ્વારા છેલ્લા ત્રણ મહિના ઉપરાંતના સમયથી ગુજરાત એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન તેમજ નેશનલ લેવલ પર  પણ સંખ્યાબંધ  રજૂઆત કરવામાં આવી છે.સમસ્યાનું કોઇ નિવારણ આવ્યું નથી.રાજ્યમાં અંદાજે ૭૨ હજાર અને વડોદરા શહેર જિલ્લામાં ૫,૫૨૩ એચ.આઇ.વી.ના દર્દીઓ છે.સરકાર દ્વારા એચ.આઇ.વી.ની એન્ટિ રેટ્રો વાયરલ થેરાપિ (એઆરટી) દવાઓનો જથ્થો નિઃશુલ્ક પૂરો  પાડવામાં આવે છે.પરંતુ,છેલ્લા ત્રણ મહિનાથી શહેરમાં એચ.આઇ.વી.ની સારવાર માટે અપાતી દવાઓ પૈકીની મુખ્ય દવા ડોલ્યુટી ગ્રાવીરનો જથ્થો ખૂટી પડયો છે.આ ઉપરાંત પણ અન્ય દવાઓનો જથ્થો ખૂટી  પડયો છે.જેના કારણે દર્દીઓ દવા વગર ચિંતિત છે.આ દવાનો સરકારી સપ્લાય બંધ છે.અને પ્રાઇવેટમાં પણ આ દવાઓ મળતી નથી.

સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે કે,અમે આ અંગે ઉચ્ચ સ્તરે રજૂઆતો કરીને  થાકી ગયા છે.આ દવા દર્દીઓના વાયરસને કંટ્રોલમાં રાખે છે.જો આ દવા દર્દીઓને ના મળે તો તેઓ કોઇ પણ બીમારીનો ભોગ બની શકે છે.

આ  દવા અંગે સ્થાનિક સ્તરેથી પણ ગુજરાત એઇડ્સ સોસાયટીને રજૂઆત કરાઇ છે.પરંતુ, તેનો કોઇ નિકાલ આવ્યો નથી.જો આ શોર્ટેજ લાંબો સમય ચાલશે તો દર્દીઓની  હાલત વધારે કફોડી બનશે.પરંતુ, નજીકના સમયમાં આ દવાઓનો જથ્થો નિયમિત મળી  રહે તેવા કોઇ એંધાણ વર્તાતા નથી.

શહેર જિલ્લામાં  એચ.આઇ.વી.ના ૨૩૨ બાળ દર્દીઓ મુશ્કેલીમાં 

૩,૦૫૮ પુરૃષ દર્દીઓ અને ૨,૨૩૩ મહિલા દર્દીઓની હાલત કફોડી

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શુક્રવાર

સમગ્ર રાજ્યમાં એચ.આઇ.વી.ના અંદાજે ૭૨,૦૦૦  જેટલા દર્દીઓ છે.જે પૈકી વડોદરા શહેર જિલ્લામાં ૫૦૦૦  ઉપરાંત દર્દીઓ છે.જે પૈકી પુરૃષ દર્દીઓની સંખ્યા ૩,૦૫૮ , મહિલા  દર્દીઓની સંખ્યા ૨,૨૩૩ , પુરૃષ બાળ દર્દીઓની સંખ્યા ૧૩૩ અને મહિલા બાળ દર્દીઓની સંખ્યા ૯૯ છે.નેશનલ એઇડ્સ  કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન દ્વારા સમગ્ર દેશમાં રાજ્ય સ્તરે દવાઓનું વિતરણ કરવામાં આવે છે.અને ગુજરાત એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન દ્વારા જિલ્લા  સ્તરે સરકારી હોસ્પિટલમાં દવાનો સ્ટોક  સપ્લાય કરવામાં આવે છે.વડોદરામાં સયાજી અને  ગોત્રી  હોસ્પિટલમાંથી એ.આર.ટી.સેન્ટરમાંથી આ દવાનું વિતરણ કરવામાં આવે છે.આ સેન્ટર  પર તપાસ કરતા એચ.આઇ.વી.ની દવાઓનો સ્ટોક નહી હોવાની વાતને પુષ્ટિ મળી છે.દોઢ મહિના પહેલા ગુજરાત એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન દ્વારા ટેન્ડર બહાર પાડીને દવાઓનો અમુક સ્ટોક લેવામાં આવ્યો હતો.પરંતુ,તે સ્ટોક  પણ હવે ખાલી થઇ ગયો છે.


રો મટિરિયલની તંગીના કારણે દવાનું  પ્રોડક્શન બંધ છે

 વડોદરા,સંસ્થા દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, દવા બનાવવા માટે વપરાતા રો મટિરિયલની તંગીના કારણે પ્રોડક્શન જ થતું નથી.આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે ? તે અંગે પણ સરકારી તંત્ર  દ્વારા  કોઇ જવાબ આપવામાં આવતો નથી.દર્દીઓ આખરે ક્યાં જાય ? કારણકે દવાઓ બહાર મેડિકલ સ્ટોરમાં પણ ઉપલબ્ધ નથી.